એક વધુ શીશમહેલઃ ભાજપે કેજરીવાલને દિલ્હીના રહેમાન ડકૈત કહ્યા

22

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભાજપે મોટો આરોપ લગાવ્યો છે. દિલ્હીની સરકારમાં મંત્રી પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલની તુલના ફિલ્મ ધુરંધરના રહમાન ડાકુ સાથે કરી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોધી એસ્ટેટમાં કેજરીવાલને ફાળવાયેલા બંગલાની તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સરકારી નિવાસમાં કેજરીવાલે ભારે ખર્ચ કર્યો – પરવેશ વર્મા

તેમણે કહ્યું હતું કે લોધી એસ્ટેટના સરકારી નિવાસસ્થાને કેજરીવાલે ખૂબ ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું કે આ સરકારી ઘર છે, પરંતુ તેમાં સરકારી પૈસા લાગ્યા નથી. તેમણે કહ્યું હતું કે અગાઉ 6 ફ્લેગ સ્ટાફ રોડ (જેને ભાજપ ‘શીશમહેલ’ કહે છે)ના ખર્ચ અંગે પ્રશ્નો ઊઠ્યા ત્યારે કેજરીવાલે દાવો કર્યો હતો કે આ ખર્ચ PWDના ચીફ એન્જિનિયરે કર્યો હતો અને તેમને તેની જાણ નહોતી, પરંતુ હવે નવા ઘરને લઈને તેઓ એવો દાવો કરી શકતા નથી.

‘આમ આદમી પાર્ટીનું નામ ‘અલીશાન આદમી પાર્ટી’ હોવું જોઈએ’

તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું નામ ‘આલિશાન આદમી પાર્ટી’ હોવું જોઈએ. શું કેજરીવાલ અમને જણાવશે કે લોધી રોડના બંગલા અથવા નવા શીશમહેલમાં કેટલો ખર્ચ થયો છે? પૈસા ક્યાંથી આવ્યા અને કોના છે? શું એ સાચું નથી કે તમારી લાલચને કારણે તમારી પાર્ટીના ઈમાનદાર કાર્યકરો તમને છોડીને જઈ રહ્યા છે? વારંવાર આવા શીશમહેલ બનાવવાની શું જરૂર છે? આ શીશમહેલમાં કઈ કંપનીના પૈસા લાગ્યા છે? તેમણે આખા ઘરની રચનામાં જેટલું દિમાગ લગાવ્યું છે, એટલો સમય જો દિલ્હીના કામોમાં લગાવ્યું હોત તો કદાચ આજે કાર્યકરો પાર્ટી ન છોડતા.

કેજરીવાલ પર ‘બીજો શીશમહેલ’ બનાવવાનો આરોપ

પરવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ પર પંજાબમાં ‘બીજો શીશમહેલ’ બનાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી ભગવંત માનના સરકારી નિવાસની આસપાસનાં ચાર મકાનો પર અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કબજો કરી લીધો છે. તેમણેએ કહ્યું હતું  કે પંજાબમાં ભગવંત માન પરેશાન છે. ત્યાં પણ એક વધુ શીશમહેલ બનાવી દીધો છે.