પુણેઃ મહારાષ્ટ્રના ઔદ્યોગિક શહેર પુણેમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં 75 વર્ષના એક ડોક્ટરે ઓનલાઇન શેર ટ્રેડિંગ છેતરપિંડીમાં 12 કરોડ રૂપિયાથી વધુની રકમ ગુમાવી દીધી છે. ઠગોએ ડોક્ટરને વારંવાર મૂડીરોકાણ કરવા માટે દબાણ કર્યું હતું.
જાન્યુઆરીના છેલ્લાં સપ્તાહમાં પીડિત ડોક્ટરને અજાણ્યા નંબર પરથી એક મેસેજ મળ્યો હતો. તેમાં કેટલીક શેરોની યાદી અને એક લિંક હતી, જેમાં મૂડીરોકાણ પર ભારે નફાનો દાવો કરવામાં આવ્યો હતો. લિંક પર ક્લિક કરતાં જ ડોક્ટરને એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા.
ગ્રુપના સંચાલકોએ પોતાને એક ગ્લોબલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફર્મના સિનિયર અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. તેમાંની એક વ્યક્તિએ પોતાને શેરબજારના ઉતાર-ચઢાવ દરમિયાન રોકાણ અને નફામાં નિષ્ણાત હોવાનું જણાવ્યું હતું. આ ગ્રુપનો ઉપયોગ ડોક્ટરનો વિશ્વાસ જીતવા માટે કરવામાં આવ્યો હતો. રેકેટ સાથે જોડાયેલા સભ્યોએ મૂડીરોકાણમાંથી મળેલા ભારે નફાના નકલી મેસેજ પોસ્ટ કર્યા હતા.
આથી ડોક્ટરને પણ પૈસા રોકવા પ્રેરણા મળી. ત્યાર બાદ તેમને એક નકલી ટ્રેડિંગ એપ્લિકેશન પર મોકલવામાં આવ્યા, જેનું નામ એક જાણીતી આંતરરાષ્ટ્રીય કંપનીના નામ સાથે મળતું આવતું હતું. ઠગોએ ડોક્ટર પાસેથી ખાનગી બેંક એકાઉન્ટ અને અન્ય વ્યક્તિગત માહિતી મેળવી લીધી. પછી રોકાણને નામે અનેક બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું.

ટ્રાન્સફર કરેલી રકમને નકલી પ્લેટફોર્મ પર રોકાણ તરીકે બતાવવામાં આવી અને તેમાં ખોટો નફો પણ દર્શાવવામાં આવ્યો. પીડિત ડોક્ટરે 7 માર્ચથી 18 માર્ચ વચ્ચે કુલ 12.3 કરોડ રૂપિયાનું મોટી લેવડદેવડ કરી હતી. જ્યારે તેમણે વધુ પૈસા રોકાણ કરવા ઇનકાર કર્યો ત્યારે આરોપીઓએ તેમની સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપી. ત્યાર બાદ ડોક્ટરને વધુ પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

