આતંકીઓ સાવધાન! ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનો હુંકાર

ભારતે ગુરુવારે પાકિસ્તાન સમર્થિત સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરી એકવાર દોહરાવ્યો છે. આ સાથે જ આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ લીધો છે. નવી દિલ્હીનો આ કડક સંદેશ ‘ઓપરેશન સિંદૂર’ ની પ્રથમ વર્ષગાંઠના અવસરે આવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “આજે આપણે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આખી દુનિયાએ જોયું કે પહેલગામ આતંકવાદી હુમલો ખરેખર શું હતો. અમે સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.”

જાયસવાલે વધુમાં ઉમેર્યું હતું કે, આખી દુનિયા સારી રીતે જાણે છે કે સરહદ પારનો આતંકવાદ લાંબા સમયથી પાકિસ્તાનની સરકારી નીતિનું એક હથિયાર રહ્યો છે. ભારત તરીકે અમને આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે અને અમે આ લડાઈમાં પીછેહઠ કરીશું નહીં. ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ગયા વર્ષે 7 મે ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદીઓના 9 ઠેકાણાઓ પર જોરદાર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.

ગયા વર્ષના આ સૈન્ય સંઘર્ષની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ તેમાંથી મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આખરે બંને પક્ષોના સૈન્ય અધિકારીઓ વચ્ચે હોટલાઈન પર થયેલી વાતચીત બાદ, 10 મે ના રોજ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બની હતી અને આ ટકરાવનો અંત આવ્યો હતો. ઓપરેશન સિંદૂર એ ભારતીય સૈન્ય ઇતિહાસના સૌથી સફળ અને બહુચર્ચિત અભિયાનોમાંનું એક ગણાય છે.

ઓપરેશનની વર્ષગાંઠ નિમિત્તે સૈન્યના ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓએ ગુરુવારે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાના સંચાલન મહાનિદેશક રહેલા લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને વાઈસ એડમિરલ એ એન પ્રમોદે વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ ઘઈએ જણાવ્યું હતું કે, આ ઓપરેશન દરમિયાન 9 આતંકવાદી ઠેકાણાઓ સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે, અમને માહિતી મળી છે કે ત્યાં ફરીથી આતંકવાદી ઠેકાણા બનાવવામાં આવી રહ્યા છે, જેની સંખ્યા સમય-સમય પર બદલાતી રહે છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે આતંકવાદી ઠેકાણાઓને પાકિસ્તાનના અંદરના વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનની સરહદમાં 300 કિલોમીટર અંદર સુધી પ્રહાર કર્યો હતો. સૈન્ય અધિકારીઓએ હિંમતભર્યા અંદાજમાં કહ્યું કે, આતંકવાદીઓ ભલે ગમે ત્યાં છુપાઈ જાય, તેઓ હવે સુરક્ષિત નથી. ભારત કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે અને પાકિસ્તાને આ હકીકત સારી રીતે સમજી લેવી જોઈએ.