ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવા તૈયાર વિપક્ષ

નવી દિલ્હી: સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસા સત્રમાં ભારે હંગામાની શક્યતા છે. વિપક્ષ રામ મંદિર ચઢાવાની ચોરી, NEET પેપર લીક, વિપક્ષી પક્ષોમાં તોડફોડ, મોંઘવારી અને દુષ્કાળ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. બીજી તરફ, સરકાર બજેટ સત્રના અધૂરા એજન્ડાને પૂર્ણ કરવા માગે છે.

માત્ર ચાર મહિનામાં પશ્ચિમ બંગાળ અને આસામમાં મળેલી જીત, બદલાયેલાં રાજકીય સમીકરણો અને વધેલા સંખ્યાબળને કારણે સરકારનો આત્મવિશ્વાસ ઊંચો છે. સરકાર એવાં અનેક મહત્વપૂર્ણ બિલો પસાર કરવા માગે છે, જેના અર્થતંત્ર અને રાજકારણ પર લાંબા ગાળાના પ્રભાવ પડી શકે છે. આવતું ચોમાસુ સત્ર કાનૂની સુધારાઓ અને રાજકીય ધ્રુવીકરણ બંને દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એક તરફ સરકાર ‘બિગ ટિકિટ રિફોર્મ્સ’ દ્વારા પોતાના આર્થિક અને વહીવટી એજન્ડાને આગળ વધારશે, તો બીજી તરફ સંસદમાં બદલાતાં ગઠબંધનનાં સમીકરણો અને બહુમતીની નવી ગણતરીની પણ કસોટી થશે. શિક્ષણ, ન્યાય-વ્યવસ્થા અને વહીવટી ક્ષેત્ર સાથે જોડાયેલાં ઘણા મહત્વપૂર્ણ વિધેયકો આ સત્રમાં રજૂ અને પસાર કરવાની તૈયારી છે.

DMK સાથે પણ સરકારની ચર્ચા ચાલુ

સરકારે સીમાંકન (Delimitation) અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા વિધેયકને પસાર કરવા માટે કમર કસી છે. શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી NDA મંત્રીઓની બેઠકમાં આ બિલ માટે વિપક્ષી પક્ષોનો સંપર્ક કરવાની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી હતી. બજેટ સત્ર દરમિયાન જરૂરી સંખ્યાબળના અભાવે સરકાર આ બિલ પસાર કરાવી શકી નહોતી. મોદી સરકાર માટે આ મોટો આંચકો હતો, કારણ કે 12 વર્ષમાં પ્રથમ વખત કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર ન થઈ શક્યું હતું. ત્યારથી જ સરકારે બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

TMC અને શિવસેના (UBT)માં થયેલી તોડફોડ, BJDના રાજ્યસભા સાંસદોના રાજીનામા અને હવે NCP (શરદ પવાર જૂથ) NDAમાં જોડાવાની ચર્ચાઓને કારણે સરકાર બે-તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી રહી હોવાનું માનવામાં આવે છે. DMK સાથે પણ સરકારની વાતચીત ચાલી રહી છે. DMK દક્ષિણ ભારતીય રાજ્યોના હિતો અંગે મજબૂત ખાતરી ઈચ્છે છે.