CEC જ્ઞાનેશકુમાર સામે સંસદમાં ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવશે વિપક્ષ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર સામે INDIA બ્લોક ફરી એક વાર ઇમ્પિચમેન્ટનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી પક્ષોએ પ્રસ્તાવનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષી પક્ષો આગામી સપ્તાહે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં નોટિસ આપવાની શક્યતા છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ચૂંટણી પંચની અંદર SIRને લઈને બે ચૂંટણી કમિશનરોની વાંધાઓ સંબંધિત ધ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ સામે આવ્યો છે. આ અહેવાલ બાદ ચૂંટણી પંચે નિવેદન પણ જાહેર કરવું પડ્યું હતું.

નવાં તથ્યો સાથે નોટિસ આપવામાં આવશે

INDIA બ્લોકના જણાવ્યાનુસાર નવા ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવમાં તાજેતરમાં સામે આવેલી માહિતી અને ચૂંટણી પંચની કામગીરીને લઈને ઊભા થયેલા નવા સવાલોને આધાર બનાવવામાં આવશે. આ ઉપરાંત અગાઉના પ્રસ્તાવ બાદ સામે આવેલાં નવાં તથ્યોનો પણ નવી નોટિસમાં સમાવેશ કરવામાં આવશે.

CEC સામે ત્રીજી વખત નોટિસની તૈયારી

વિપક્ષી પક્ષો વચ્ચે આ મુદ્દે સહમતી છે. જ્ઞાનેશકુમાર સામે વિપક્ષી પક્ષો ત્રીજી વખત નોટિસ આપવાની તૈયારીમાં છે. અગાઉ 24 એપ્રિલે રાજ્યસભામાં વિપક્ષના 73 સભ્યોએ તેમની સામે નોટિસ આપી હતી. આ પહેલાં પણ બંને ગૃહોમાં વિપક્ષી સાંસદો દ્વારા આવો પ્રસ્તાવ લાવવાની નોટિસ આપવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ 324 (5) હેઠળ નિર્ધારિત છે અને તેના માટે સંસદમાં નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. વિપક્ષી જૂથનું કહેવું છે કે એપ્રિલમાં આપવામાં આવેલી ઇમ્પિચમેન્ટ નોટિસમાં CEC સામે કુલ નવ આરોપ લગાવવામાં આવ્યા હતા. હવે SIR સાથે જોડાયેલા અહેવાલો બાદ વિપક્ષ આ આરોપોમાં નવા મુદ્દા ઉમેરવાની તૈયારી કરી રહ્યો છે.

10 મહિનામાં 14 વખત વાંધા નોંધાયા

અહેવાલ મુજબ ત્રણ સભ્યોના ચૂંટણી પંચની અંદર છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત SIR સાથે જોડાયેલા નિર્ણયો અને આદેશો અંગે ઔપચારિક વાંધા નોંધાવવામાં આવ્યા હતા.

આ વાંધા ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા નોંધાવવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર, બંને અધિકારીઓએ કેટલાક નિર્ણયો અને આદેશો તેમની જાણકારી અથવા મંજૂરી વિના લેવામાં આવ્યા હોવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. એક જ દિવસમાં ચાર વખત સુધી વાંધા નોંધાવવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી હતી.