CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કાલે વિપક્ષનું ‘જન ઇમ્પિચમેન્ટ’

નવી દિલ્હીઃ CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષે ફરી એક વાર પોતાની તૈયારીઓ તેજ કરી છે. વિપક્ષ શુક્રવારે ‘જન ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પ્રસ્તાવ રજૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ આરોપપત્ર પણ રજૂ કરવામાં આવશે. રાહુલ ગાંધી કાર્યક્રમમાં સૌથી છેલ્લે પોતાનો પક્ષ રજૂ કરશે. કોંગ્રેસનાં નેતા મીરાકુમાર કાર્યક્રમનાં અધ્યક્ષની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં વિપક્ષના દરેક પક્ષમાંથી એક નેતા પોતાનો પક્ષ રજૂ કરશે.

વિપક્ષના દરેક પક્ષમાંથી એક નેતા પોતાનો પક્ષ રજૂ કરશે

વિપક્ષ ઇચ્છે છે કે કોઈ પણ રીતે સંસદની મજાક ન બને. તેથી સત્તા પક્ષ તરફથી કોઈની પણ પ્રતીકાત્મક હાજરી રાખવામાં આવશે નહીં. વડા પ્રધાન, ગૃહ મંત્રી અથવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં પોસ્ટર, બેનર કે માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં આ લોકોનું કોઈ પણ પ્રકારનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ પણ નહીં હોય. નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને SIRથી પ્રભાવિત લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. વિપક્ષના દરેક પક્ષમાંથી એક-એક નેતા પોતાનો પક્ષ રજૂ કરશે.

કોંગ્રેસે બુધવારે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 30 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ‘જન ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમ યોજશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે અન્ય સ્થળોએ કાર્યક્રમ યોજવાની મંજૂરી ન મળતાં હવે ‘ઇન્ડિયા’ ગઠબંધન શુક્રવારે બપોરે 3:30 વાગ્યે ખડગેના નિવાસસ્થાન ‘10, રાજાજી માર્ગ’ પર આ કાર્યક્રમ યોજશે.

બપોરે 3:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

જયરામ રમેશે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અન્ય સ્થળોએ કાર્યક્રમ યોજવાની મંજૂરી ન મળ્યા બાદ ‘ઇન્ડિયા’ ગઠબંધન શુક્રવાર, 30 ઓક્ટોબરે બપોરે 3:30 વાગ્યે નવી દિલ્હીના 10, રાજાજી માર્ગ ખાતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ ‘જન ઇમ્પિચમેન્ટ’ કાર્યક્રમ યોજશે.

તેમણે CEC પર બંધારણની ભાવના અને તેની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનરે ‘ચૂંટણીલક્ષી લોકશાહીના પાયાને વ્યવસ્થિત રીતે નબળો પાડ્યો છે.’