પશ્ચિમ બંગાળમાં 252 મદરેસા બંધ કરવાનો આદેશ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓ (Islamic Educational Institutions)ની સમીક્ષા કરતાં 252 મદરેસાને બંધ કરવાની નોટિસ જાહેર કરી છે. ચકાસણી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં અન્ય 100 મદરેસાને કારણદર્શક નોટિસ (Show Cause Notice) પણ મોકલવામાં આવી છે.

અહેવાલો અનુસાર બંધ કરવામાં આવનારી 252 મદરેસામાંથી મોટા ભાગના ખારિજી સંપ્રદાય સાથે સંકળાયેલી છે. તેમાં માલદામાં ઓછામાં ઓછી 44 મદરેસા, ઉત્તર દિનાજપુરમાં 37, દક્ષિણ 24 પરગણામાં 32, જ્યારે નદિયા અને મુર્શિદાબાદમાં 25-25 મદરેસાનો સમાવેશ થાય છે. લઘુમતી બાબતોના મંત્રી ખુદિરામ ટુડુએ ચેતવણી આપી છે કે કારણદર્શક નોટિસ મેળવનારી મદરેસાઓએ માન્ય સત્તાધિકરણ (Valid Authorisation) રજૂ કરવું પડશે, અન્યથા તેમને બંધ કરી દેવામાં આવશે.

રાજ્યના મુખ્ય મંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં માન્ય અને બિનમાન્ય મદરેસાઓની સંખ્યા નક્કી કરવા માટે જૂનમાં રાજ્યવ્યાપી સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ દ્વારા કોલકાતા અને અન્ય 22 જિલ્લાઓમાં મદરેસા વ્યવસ્થાપન પ્રણાલી, વિદ્યાર્થીઓના સંગઠનોમાં નોંધણી, ભંડોળના સ્ત્રોતો અને નોંધણીની સ્થિતિની તપાસ કરવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. મંત્રી ખુદિરામ ટુડુએ કહ્યું હતું કે તપાસનાં તારણોને આધારે પ્રથમ તબક્કામાં 252 મદરેસા બંધ કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અન્ય 100 મદરેસાને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, જ્યાં વધુ ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે. જો આ સંસ્થાઓ પુરાવા અથવા માન્ય સત્તાધિકરણ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળમાં માન્ય મંજૂરી (Valid Approval) સાથે 2132 મદરેસા કાર્યરત છે, જ્યારે બિનમંજૂર મદરેસાઓની સંખ્યા 2396 છે. મદરેસાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીથી બંગાળના રાજકારણમાં પણ શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.