ઓનલાઇન ખાવાનું મગાવવું પડશે મોંઘું: GSTની પણ પડશે અસર

નવી દિલ્હીઃ ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્સ ઝોમેટો, સ્વિગી અને મેજિકપિને પોતાના પ્લેટફોર્મની ફી વધારીને દેશભરમાં લાખો યુઝર્સને ઝટકો આપ્યો છે. હકીકતમાં તાજેતરમાં જ GST કાઉન્સિલની બેઠકમાં સરકારે ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સની ડિલિવરી સર્વિસ પર 18 ટકા GST લાગુ કરવાની જાહેરાત કરી હતી. ડિલિવરી ચાર્જ પર 18 ટકા GST 22 સપ્ટેમ્બરથી લાગુ થવાનો છે, જેને કારણે ખર્ચ વધુ વધી શકે છે.

કયા પ્લેટફોર્મ પર કેટલો ચાર્જ વધ્યો?

Swiggy (સ્વિગી)

ફૂડ ડિલિવરી એપ સ્વિગીએ  પસંદગીનાં શહેરોમાં પોતાનો પ્લેટફોર્મ ચાર્જ GST સહિત રૂ 15 કરી દીધો છે.

Zomato (ઝોમેટો)

ઝોમેટોએ GST ઉપરાંત અલગથી રૂ. 12.50 પ્રતિ ઑર્ડર પ્લેટફોર્મ ચાર્જ નક્કી કર્યો છે.

ગ્રાહકો પર શું પડશે અસર?

મેજિકપિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહેલેથી જ તેમની કંપની પોતાની ફૂડ ડિલિવરી ખર્ચ પર 18 ટકા GST ચૂકવી રહી છે. પ્રવક્તાએ આગળ કહ્યું હતું  કે GSTમાં તાજેતરના ફેરફારો અમારી ખર્ચની રચનાને અસર કરતા નથી. એટલામાં ગ્રાહકો પર GST બદલાવનો કોઈ અસર નહીં પડે. અમારો પ્લેટફોર્મ ચાર્જ હજી પણ પ્રતિ ઓર્ડર રૂ. 10 જ રહેશે, જે અન્ય મુખ્ય ફૂડ ડિલિવરી કંપનીઓ કરતાં સૌથી ઓછો છે.

પ્લેટફોર્મ ચાર્જ ફૂડ ડિલિવરી કંપનીઓ માટે વધારાની કમાણીનું સાધન બની ગયું છે. ઝોમેટો, સ્વિગી અને મેજિકપિનની આ એકસાથે વધારાની જાહેરાત એ સંકેત આપે છે કે દેશમાં ફૂડ ડિલિવરી સેક્ટરની કિંમત સતત વધી રહી છે. હવે સવાલ એ છે કે લાખો ગ્રાહકો માટે સુવિધા અને કિફાયતી ભાવ સાથે-સાથે ચાલશે કે નહીં.