CJPના પ્રદર્શન પહેલાં દિલ્હીમાં 1000થી વધુ લોકોની અટકાયત

નવી દિલ્હીઃ  જંતર-મંતર ખાતે શનિવારે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA) દ્વારા યોજાનારા પ્રદર્શન પહેલાં પોલીસે રાતભર કાર્યવાહી કરીને ઓછામાં ઓછા 1000 લોકોની અટકાયત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે આ પ્રદર્શન યોજાવાનું છે.

અહેવાલ મુજબ શનિવારે રાત્રે 12:30 વાગ્યા સુધીમાં અટકાયતમાં લેવાયેલા લોકોમાં આશરે 250 લોકો દક્ષિણ-પૂર્વ દિલ્હીના હતા. તેમાં શાહીન બાગ અને તેની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. વર્ષ 2020માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ થયેલાં વિરોધ પ્રદર્શનો દરમિયાન શાહીન બાગ મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. દિલ્હી પોલીસના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે શાહદરા અને પૂર્વ દિલ્હી જિલ્લાઓમાંથી 100થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ બંને જિલ્લાઓ ઉત્તર પ્રદેશની સરહદને અડીને આવેલા છે.

સાવચેતીના પગલાંરૂપે લોકોની અટકાયત

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અટકાયત સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી છે. પોલીસ દ્વારા એવા લોકોની ઓળખ કરવામાં આવી હતી, જેમના પર પ્રદર્શનકારીઓને એકત્રિત કરવાની અને કથિત રીતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની આશંકા હતી. અટકાયતમાં લેવામાં આવેલા લોકોને દરેક જિલ્લામાં નિર્ધારિત 13 મુખ્ય અટકાયત કેન્દ્રોમાં લઈ જવામાં આવશે.

દિલ્હીમાં 30,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. શનિવારે સવારે લગભગ 10:15 વાગ્યે CJPના નેતાઓ દિલ્હીમાં પહોંચવાના હતા. પોલીસના જણાવ્યાનુસાર શહેરમાં 30,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત રહેશે. દિલ્હીના તમામ સરહદી વિસ્તારોમાં પણ કડક દેખરેખ રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ નિરીક્ષકો, પુરુષ અને મહિલા પોલીસકર્મીઓની ટુકડીઓ ઉપરાંત વધારાનો પોલીસ કાફલો અને અનામત દળો પણ તૈનાત કરવામાં આવ્યાં છે. દિવસ અને રાત દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે અલગ-અલગ પાળીમાં પોલીસ કર્મચારીઓની ફરજ ગોઠવવામાં આવી છે.