FSSAI દ્વારા પેકેજ્ડ પાણીની બોટલ વેચતી બ્રાન્ડ્સની તપાસ : સૂત્રો

નવી દિલ્હી: પેકેજ્ડ પીવાના પાણીની જાણીતી કંપની બિસ્લેરી (Bisleri) સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કડક કાર્યવાહી અને પ્રોસિક્યુશન (મુકદ્દમા)ની મંજૂરી આપ્યા બાદ હવે અન્ય પેકેજ્ડ વોટર બ્રાન્ડ્સના સેમ્પલ લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. દેશભરમાં બોટલ્ડ વોટરની ગુણવત્તા અને સલામતી અંગે ચિંતા વધતાં નિયમનકારી તંત્ર દ્વારા નિરીક્ષણ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

અહેવાલો મુજબ, બિસ્લેરીના પરિસરમાંથી લેવામાં આવેલા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના સેમ્પલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ બ્રોમેટ (Bromate) મળી આવ્યું હતું, જેના પગલે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીની અપીલ બાદ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં ફરીથી ચકાસણી માટે મોકલવામાં આવ્યું હતું, જ્યાં તેમાં પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ (PAHs) મળી આવતા સેમ્પલને ફરીથી અસુરક્ષિત ઠેરવવામાં આવ્યું હતું. આ લેબોરેટરી રિપોર્ટ્સના આધારે FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે કાર્યવાહી અને પ્રોસિક્યુશનની મંજૂરી આપી છે.

બીજી તરફ, બિસ્લેરીએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આ બાબત સપ્ટેમ્બર ૨૦૨૫માં ગોવા પ્લાન્ટ ખાતે તૈયાર થયેલી એક જ બેચ સાથે સંબંધિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ લેવાયેલા છ સેમ્પલ પૈકી પાંચ સેમ્પલ તમામ ધોરણો પર ખરા ઉતર્યા હતા, જ્યારે એક સેમ્પલમાં બ્રોમેટનું સ્તર ૧૦ માઈક્રોગ્રામ પ્રતિ લિટરની મર્યાદા સામે ૧૨ માઈક્રોગ્રામ પ્રતિ લિટર નોંધાયું હતું. કંપનીએ દાવો કર્યો છે કે સ્વતંત્ર લેબોરેટરીના રિપોર્ટમાં બ્રોમેટનું સ્તર નિર્ધારિત મર્યાદામાં હોવાનું જણાયું હતું અને તેનો અહેવાલ ફેબ્રુઆરી ૨૦૨૬માં FSSAIની વેસ્ટર્ન રિજનલ ઓફિસને સુપરત કરાયો હતો. કંપનીએ ઉમેર્યું કે તેના ઉત્પાદનો પીવા માટે સલામત છે અને તેઓ તંત્રને સંપૂર્ણ સહકાર આપશે.