આ પાંચ પ્રતિષ્ઠિત ગુજરાતીઓનું પદ્મ પુરસ્કારથી થશે સન્માન

પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કારોની યાદીમાં પાંચ ગુજરાતીઓના નામ સામેલ છે. જાણો કોણ-કોણ છે આ પાંચ ગુજરાતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવશે.

અરવિંદ વૈદ્ય, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અને નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા

વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રમતગમત જગતમાંથી 9 લોકોની પસંદગી કરવામાં આવી છે. કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય માટે કુલ 44 લોકોને સન્માનિત કરવામાં આવશે. સામાજિક કાર્યમાં યોગદાન બદલ 13 લોકોને સન્માનિત કરવામાં આવશે. સિંગર અલકા યાજ્ઞિક, ક્રિકેટર રોહિત શર્મા, ક્રિકેટર હરમનપ્રીત કૌર, અભિનેતા મામુટી અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (મરણોત્તર) જનસંપર્ક ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

આ પાંચ ગુજરાતીઓ પદ્મ શ્રીથી સન્માનિત

1. અભિનેતા અરવિંદ વૈદ્ય

પ્રખ્યાત હિન્દી ટીવી શૉ અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. થિયેટરને કલાત્મકતા અને સત્યની શક્તિમાં આકાર આપી 200થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યુ છે.

2. લેખક રતિલાલ બોરીસાગર

હાસ્ય સંગ્રહો, નવલકથાઓ અને લોકપ્રિય કૉલમ્સ માટે જાણીતા છે. 17થી વધુ પુસ્તકો અને બાળકો માટે 6 પુસ્તકો લખ્યા છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે.

3. ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈ

સંતવાણી, ગઝલ, કવ્વાલી અને ભજનમાં ઢોલક વગાડવા માટે જાણીતા છે. કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. જુનાગ઼ઢના આ ઢોલક વાદકની ‘હાજી રમકડું’ના નામથી ઓળખ છે.

4. સામાજિક કાર્યકર નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા

સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે તેમની નામના છે. સમર્પિત સામાજિક કાર્યકરે ગુજરાતમાં 1,300 થી વધુ અંગદાનમાં મદદ કરી અને 100 થી વધુ રિટ્રાઇવલ હોસ્પિટલોની સ્થાપના કરી. લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન માટે તેમની મહત્વની ભૂમિકા રહી છે.

5. ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા

75 વર્ષનો વારસો ધરાવતા પ્રતિષ્ઠિત થિયેટર દિગ્ગજ જેમણે આખ્યાનની પરંપરાગત ગુજરાતી કલાને પુનર્જીવિત કરી અને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે યુવાનોને પ્રેરણા આપવા અને તાલીમ આપવા માટે એક એકેડેમીની સ્થાપના કરી.
આખ્યાન અને માણભટ્ટ પરંપરાને જીવંત રાખવા બદલ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે.