સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં જેમના સેવાના કાર્યોની ગુંજ સંભળાતી હતી, તેવા પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરેશભાઈ ઠક્કરનું આજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી સેવા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
નિસ્વાર્થ સેવાનું જીવન
સુરેશભાઈ ઠક્કરે સંપૂર્ણ જીવન કુષ્ઠરોગીઓ અને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કર્યુ હતું. ‘સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ’ના માધ્યમથી તેમણે હજારો દર્દીઓની સેવા કરી નવું જીવન આપ્યું હતું. વર્ષો સુધી ચાલેલી તેમની આ અવિરત સેવાને ધ્યાને રાખીને જ ભારત સરકાર દ્વારા વર્ષ 2025માં તેમને ‘પદ્મશ્રી’ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંતિમ વિદાય
આજે સુરેશભાઈની અંતિમ વિધિ યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો તેમને શ્રદ્ધાંજલિ આપવા જોડાશે. સેવા અને સંવેદનાનો જે સ્તંભ આજે તૂટી પડ્યો છે, તેની ખોટ લાંબા સમય સુધી વર્તાશે.




