અમદાવાદ: શહેરમાં તાજેતરમાં શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, વિવિધ કોર્ટ સંકુલો અને મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિતના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ તપાસમાં આ ધમકીઓના તાર સીધા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, હેક થયેલા જૂના Gmail એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે આ ધમકીભર્યા સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. અગાઉ પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા એક આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે હેક કરેલા ઈમેઈલ એકાઉન્ટ્સ ક્રિપ્ટોકરન્સીના બદલામાં બાંગ્લાદેશ અને ત્યાંથી પાકિસ્તાનમાં વેચવામાં આવ્યા હતા. તહેવારો અને મહત્વના આયોજનો ટાણે ભારતમાં દહેશત અને ભયનો માહોલ ઊભો કરવા માટે આ આંતરરાષ્ટ્રીય કાવતરું રચવામાં આવ્યું હોવાનું સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે.






