પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન પહેલાં ઇમરાન ખાનની બહેનોની અટકાયત

ઇસ્લામાબાદ/લાહોર: પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાન (PTI) દ્વારા 27 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અને ઇસ્લામાબાદ માર્ચ પહેલાં શાહબાઝ શરીફ સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. પંજાબ પોલીસે ઇમરાન ખાનની બહેનો – અલીમા ખાન, ડો. ઉઝમા ખાન અને નોરીન નિયાઝીની લાહોર ખાતેથી અટકાયત કરી છે.

લાહોર ડેપ્યુટી કમિશનરના આદેશ અનુસાર, ત્રણેય બહેનોને ‘મેઇન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર’ (MPO) હેઠળ 30 દિવસ માટે કોટ લખપત જેલમાં મોકલી દેવામાં આવી છે. વહીવટીતંત્રે દાવો કર્યો છે કે તેમની જાહેરમાં ઉપસ્થિતિથી જાહેર શાંતિ અને સુરક્ષા સામે ખતરો ઊભો થઈ શકે છે.

PTI નેતાઓએ આ અટકાયતની સખત શબ્દોમાં નિંદા કરતાં આને મૂળભૂત અધિકારોનું હનન અને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે અને તેમની પાર્ટી તેમની મુક્તિ માટે 27 સપ્ટેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહી છે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે આ પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવીને કોઈપણ કિંમતે માર્ચ રોકવાની ચીમકી આપી છે.