OICમાં મુસ્લિમ દેશો સામે કરગર્યું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાને સાઉદી અરબના જેદ્દામાં આયોજિત ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC)ના 25મા સ્વતંત્ર સ્થાયી માનવાધિકાર પંચ (IPHRC)ના સેશનમાં ભારતમાં પર સિંધુ જળ સંધિને એકતરફી રીતે નબળી પાડવાનો આરોપ મૂક્યો છે. આ સેશન ‘જળનો અધિકાર’ વિષય પર કેન્દ્રિત હતું, જેમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે ભારતની નીતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

સૈયદ ફવાદ શેરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભારત દ્વારા સિંધુ જળ સંધિના નિયમોને એકતરફી રીતે બદલવાનો પ્રયાસ પાકિસ્તાન માટે ગંભીર સંકટ ઊભું કરી શકે છે, જે પહેલેથી જ જળ સંકટનો સામનો કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે જળનો અધિકાર માત્ર કાનૂની નહિ, પરંતુ નૈતિક અને સામાજિક રીતે પણ મહત્વનો છે, અને ભારતનો કઠોર અભિગમ દક્ષિણ એશિયામાં પહેલેથી જ રહેલી જળવાયુ સંબંધિત પડકારોને વધારે ગંભીર બનાવી શકે છે.

OIC અને આંતરરાષ્ટ્રીય મંચો પર ટેકોની અપેક્ષા

ફવાદ શેરે એ પણ યાદ અપાવ્યું હતું કે OICના વિદેશ મંત્રીઓ પહેલેથી જ ભારતના નિર્ણયને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. એ સાથે જ વિશ્વના અનેક દેશો અને સંસ્થાઓએ સિંધુ જળ સંધિને ચાલુ રાખવાની અપીલ કરી છે. તેમણે પુનરાવર્તન કર્યું હતું કે પાકિસ્તાન પોતાના જળ અધિકારોની રક્ષા માટે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર સતત ઉઠાવતું રહેશે. સામે પક્ષે ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જયાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદનો આધાર બંધ નહીં કરે, ત્યાં સુધી આ યોજનાઓ પૂર્ણ ગતિએ આગળ વધતી રહેશે.