પાકિસ્તાન: વડાપ્રધાન શહબાઝ શરીફની લંડન મુલાકાત દરમિયાન ‘રોથચાઈલ્ડ એન્ડ કંપની’ (Rothschild & Co)ના અધિકારીઓ સાથે થયેલી બેઠક બાદ પાકિસ્તાનમાં રાજકીય બબાલ મચી ગઈ છે. ઈઝરાયેલ સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતા આ જૂથ સાથે નાણાકીય સલાહ માટેની બેઠક યોજાતાં પાકિસ્તાનના નાગરિકો અને વિપક્ષી પક્ષ ઇમરાન ખાનની પાકિસ્તાન તેહરીક-એ-ઈનસાફ (PTI) આકરા પાણીએ થઈ છે.
શહબાઝ શરીફે લંડનમાં રોથચાઈલ્ડ કંપનીના જીઓસ્ટ્રેટેજિક એડવાઈઝરી ચેરમેન લોર્ડ માર્ક સેડવિલ અને યુકે ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ હેડ મજિદ ઈશાક સાથે બેઠક કરી હતી. પાકિસ્તાન વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, આ બેઠકમાં દેશની મૂડી બજારો અને રોકાણ વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની નાગરિકો અને વિપક્ષી નેતાઓએ આ બેઠકની આકરી ટીકા કરી છે. રોથચાઈલ્ડ પરિવારનો ઈતિહાસ 1918ના બાલ્ફોર જાહેરનામા અને પેલેસ્ટાઈનમાં યહૂદી વસાહતો સ્થાપવામાં મહત્વનો રહ્યો હોવાથી તેમને ‘ઈઝરાયેલના સ્થાપક પરિવાર’ તરીકે પણ જોવામાં આવે છે. વિવેચકોએ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાન ઈઝરાયેલને માન્યતા આપતું નથી, છતાં શરીફ સરકારે આ જૂથ પાસે “ભીખ માગવાનું” કામ કર્યું છે.
પીટીઆઈ (PTI)ના સમર્થકોએ શહબાઝ શરીફની પીએમએલ-એન (PML-N) પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભૂતકાળમાં પીએમએલ-એન દ્વારા ઇમરાન ખાનને ‘યહૂદી એજન્ટ’ કહીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હવે યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે “હવે સાચો યહૂદી એજન્ટ કોણ છે?” પાકિસ્તાનમાં આ મુદ્દે મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે અને સોશિયલ મીડિયા પર શહબાઝ શરીફ સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.






