નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક નવી માગને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાન ઇરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે સંભવિત કરારના ભાગરૂપે ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા માટે ‘અબ્રાહમ અકોર્ડ્સ’ પર હસ્તાક્ષર કરે. ટ્રમ્પે ઇઝરાયેલને માન્યતા આપવા માટે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને અન્ય મુસ્લિમ દેશો પર દબાણ વધાર્યું છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા મુસ્લિમ દેશોને અબ્રાહમ અકોર્ડ્સમાં જોડાવા અપીલ કરી હતી. જોકે પાકિસ્તાને ટ્રમ્પની આ અપીલને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
ટ્રમ્પે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોને અબ્રાહમ અકોર્ડ્સ પર સહી કરવાની અપીલ કરી છે જેથી ઇરાન સાથેના કરારનો માર્ગ સરળ બની શકે. ટ્રમ્પના આ નિવેદનથી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. પાકિસ્તાનનાં કટ્ટરપંથી જૂથોએ ઇઝરાયેલને માન્યતા આપવાના મુદ્દે વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરને ચેતવણી આપી છે. આ સંકટમાંથી બહાર આવવા માટે શહબાઝ શરીફ અને આસિમ મુનીર- બંને અચાનક સાઉદી અરેબિયાની મુલાકાતે જવાના છે.
પાકિસ્તાન પોતાના વલણ પર અડગ
પાકિસ્તાને ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સ્વતંત્ર પેલેસ્ટિન રાષ્ટ્રની સ્થાપના નહીં થાય ત્યાં સુધી તે ઇઝરાયેલ અંગેની પોતાની નીતિમાં ફેરફાર નહીં કરે. આથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પના વારંવારના આગ્રહ છતાં પાકિસ્તાન અબ્રાહમ અકોર્ડ્સમાં જોડાય તેવી શક્યતા ઓછી છે. ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવા અને ‘અબ્રાહમ ડિકલેરેશન’ પર હસ્તાક્ષર કરવાની અમેરિકાની દરખાસ્તને પાકિસ્તાને નકારી કાઢી છે. પોતાના નજીકના મિત્ર અમેરિકા સામે પાકિસ્તાને દુર્લભ રીતે વિરોધી વલણ અપનાવ્યું છે.

જો પાકિસ્તાન આ કરાર માટે તૈયાર થાય તો તેને પોતાની દાયકાઓ જૂની વિદેશ નીતિમાં મોટો ફેરફાર કરવો પડશે. ટ્રમ્પ ઇચ્છે છે કે પાકિસ્તાન અને અન્ય કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરે. ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને કતાર જેવા દેશોએ અબ્રાહમ અકોર્ડ્સનો ભાગ બનવું જોઈએ. આ કરારની શરૂઆત 2020માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન થઈ હતી.






