PoK વિરોધ પ્રદર્શનનું કવરેજ કરવા બદલ પાકિસ્તાનનો અલ જઝીરા પર પ્રતિબંધ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ ‘અલ જઝીરા’ (Al Jazeera)ની વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)માં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને કહેવાતી ચૂંટણીઓમાં વ્યાપક ગેરરીતિઓનું વિગતવાર રિપોર્ટિંગ કરવા બદલ અસીમ મુનીરની સરકારે આ નિર્ણય લીધો છે. કતાર આધારિત એક્ટિવિસ્ટ્સ અને વિપક્ષી નેતાઓ મુજબ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી પર અંકુશ મેળવવા માટે પાકિસ્તાને કડક સેન્સરશીપ લાગુ કરી છે.

અલ જઝીરાનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ અને પાકિસ્તાનનો આક્ષેપ

અલ જઝીરાના સંવાદદાતા કમલ હૈદરે PoKના મુઝફ્ફરાબાદથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને ચૂંટણી દરમિયાન શૂન્ય મતદાન, બંધ અને નાગરિકોના ઉગ્ર આક્રોશને વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો. સ્થાનિક લોકોએ ચેનલને જણાવ્યું હતું કે તેઓ વર્તમાન વ્યવસ્થા અને અત્યાચારોથી કંટાળી ગયા છે.

આ કવરેજ સામે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલ જઝીરા પર “યેલો જર્નાલિઝમ” (પીળી પત્રકારત્વ) અને પક્ષપાતી રિપોર્ટિંગ કરવાનો આક્ષેપ મૂક્યો છે. પાકિસ્તાની તંત્રનું કહેવું છે કે ચેનલ બાહ્ય એજન્ડા હેઠળ PoK ચૂંટણીને ગેરકાયદે ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે.

PoKમાં કેમ ભડકી છે હિંસા?

જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના નેતૃત્વ હેઠળ PoKમાં મહિનાઓથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. નાગરિકો રાજકીય સ્વાયત્તતા, મોંઘવારીમાંથી મુક્તિ, ધરપકડ કરાયેલા કાર્યકરોની મુક્તિ અને પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા અત્યાચારોનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળોના કડક દમન, ગોળીબાર અને ઇન્ટરનેટ બ્લોકઆઉટ છતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

ભારતે પણ ૩૧ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું હતું કે તેઓ PoKમાં નિરપરાધ નાગરિકો પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા “નિષ્ઠુર” બળપ્રયોગ અને માનવાધિકાર ઉલ્લંઘન બદલ ઈસ્લામાબાદને જવાબદાર ઠેરવે.