નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)ના રાવલકોટમાં વધુ એક દુઃખદ અને રક્તરંજિત ઘટના બની છે. પાકિસ્તાની સૈનિકો અને રેન્જર્સે શહેરના ઈદગાહ મેદાનમાં એકત્ર થયેલા હજારો નિહથ્થા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો. સામાન્ય નાગરિકોનું શાંતિપૂર્ણ પ્રદર્શન અચાનક ભયાનક દૃશ્યમાં ફેરવાઈ ગયું. આ લોકો સસ્તો લોટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માગ કરી રહ્યા હતા. રાવલકોટમાં અંદાજે 60,000થી 70,000 લોકો એકત્ર થયા હતા. એ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર ભીડ પર ગોળીઓ વરસાવી દીધી હતી. પ્રદર્શનકારીઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં.
અત્યાર સુધી 53 લોકોનાં મોત
આ ઘટનાના બાદ રાવલકોટમાં ચારે તરફ હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યાં હતાં. લોહીથી રંગાયેલી સડકો, લોહીલુહાણ ખેતરો અને પોતાના સ્વજનોની શોધમાં ભટકતા પરિવારજનો આ કાર્યવાહીથી થયેલી માનવીય દુર્ઘટનાનું પ્રતીક બની ગયા છે.
પાકિસ્તાની સૈનિકો અને રેન્જર્સ દ્વારા AK-47 રાઇફલોથી કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 16 નાગરિકોનાં મોત થયાં છે અને 37થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા સ્થાનિકો માટે આ દુર્ઘટના આજે શરૂ થઈ નથી. શુક્રવારથી ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો સામે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 53 નાગરિકોના જીવ ગયા હોવાનું જણાવવામાં આવે છે. દરેક આંકડાની પાછળ એક એવો પરિવાર છે જેણે પોતાનો પિતા, પુત્ર, ભાઈ, પુત્રી અથવા મિત્ર ગુમાવ્યો છે.
આટલી હત્યાઓ છતાં પ્રદર્શન યથાવત્
આ હત્યાઓથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. ખાઈ ગાલા ગામમાં લોકોએ બજારો બંધ રાખ્યાં અને હિંસા વિરુદ્ધ રેલી કાઢી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ પ્રદર્શનોમાં જોડાયાં અને મૃતકો માટે ન્યાયની માગ કરી. પ્રદર્શનકારીઓએ એક એવું સૂત્ર લગાવ્યું જે સમગ્ર PoKમાં એકતાનું પ્રતીક બની ગયું છે:
“આ જે આતંકવાદ છે, તેની પાછળ વર્દી છે.”
રક્તપાત છતાં પ્રદર્શનકારીઓએ પોતાનું આંદોલન છોડવાનો ઇનકાર કર્યો છે. હજારો લોકો હજુ પણ રાવલકોટમાં એકત્ર છે અને આર્થિક રાહત તથા રાજકીય અધિકારો માટેની લડત ચાલુ રાખી રહ્યા છે. ગોળીબાર પછી ભીડને સંબોધતાં આંદોલનના નેતા સરદાર અમાન ખાને જાહેરાત કરી કે સંઘર્ષ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે અને જાન-માલના ભારે નુકસાન છતાં આંદોલન ચાલુ રહેશે.






