વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક મોટા નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટને 27 વર્ષ અને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, 48 વર્ષીય આસિફ મર્ચન્ટ ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે કામ કરતો હતો.

બ્રુકલિનની ફેડરલ કોર્ટે તેને હત્યા માટે સોપારી આપવાનું કાવતરું ઘડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી પ્રવૃત્તિનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. માર્ચ 2026માં જ્યુરીએ તેને દોષિત જાહેર કર્યો હતો.
બાઈડન અને નિક્કી હેલી પણ નિશાન પર હતાં
તપાસમાં સામે આવ્યું હતું કે આ કાવતરાનો મુખ્ય નિશાન ડોનાલ્ડ ટ્રમ્પ હતા. જોકે, તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઈડન અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં પૂર્વ રાજદૂત નિક્કી હેલી પણ સંભવિત નિશાન હતાં. ઈરાનના પૂર્વ IRGC કમાન્ડર કાસિમ સુલેમાનીની જાન્યુઆરી 2020માં અમેરિકાના ડ્રોન હુમલામાં થયેલી હત્યાનો બદલો લેવા આ કાવતરું ઘડાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
FBIએ કેવી રીતે નિષ્ફળ બનાવ્યું કાવતરું?
અમેરિકી ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં IRGCએ આસિફ મર્ચન્ટને પોતાની સાથે જોડ્યો હતો. ત્યારબાદ તેને અમેરિકામાં રાજકીય રેલી દરમિયાન નેતાની હત્યા કરાવવા માટે લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
અમેરિકા પહોંચ્યા બાદ મર્ચન્ટે એક પરિચિતની મદદથી હત્યાનું કાવતરું આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેના પરિચિતે FBIને જાણ કરી દીધી હતી. ત્યારબાદ FBIના અંડરકવર એજન્ટોએ મર્ચન્ટનો સંપર્ક કર્યો હતો. તેણે કથિત હત્યા માટે શરૂઆતના ચૂકવણા તરીકે 5,000 ડોલર પણ આપ્યા હતા.
12 જુલાઈ 2026ના રોજ ટેક્સાસના રિચમન્ડમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના મોબાઇલ, લેપટોપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કાવતરા સંબંધિત પુરાવા મળ્યા હતા.






