નવી દિલ્હીઃ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ભારે હુમલો કર્યો છે. આ હુમલામાં 13 અફઘાન નાગરિકોનાં મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતકોમાં 11 બાળકોનો સમાવેશ થાય છે. મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને નાગરિકોના રહેણાક વિસ્તારોને નિશાન બનાવી ભારે બોમ્બમારો કર્યો હતો. બીજી તરફ અફઘાનિસ્તાને આ હુમલાને પોતાની અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
અફઘાનિસ્તાનના ત્રણ પ્રાંતો પર બોમ્બમારો
અફઘાનિસ્તાનના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદન મુજબ પાકિસ્તાની લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ટ અને પક્તિકા પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના જણાવ્યાનુસાર રહેણાક વિસ્તારો અને સામાન્ય નાગરિકોનાં ઘરો પર બોમ્બમારો કરવામાં આવ્યો, જેને કારણે અનેક મકાનો ધ્વસ્ત થઈ ગયાં હતાં.
13 લોકોનાં મોત
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે જણાવ્યું હતું કે આ હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે અને તમામને શહીદ જાહેર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ હુમલામાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જણાવાયું છે.
પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં
પાકિસ્તાન તરફથી આ હુમલાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફેબ્રુઆરીના અંતથી જ તણાવ અને અથડામણો ચાલી રહી છે, જેમાં સેંકડો લોકોના મોત થયાં છે. ફેબ્રુઆરીના અંતમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનના હવાઈ હુમલાઓના જવાબમાં સરહદ પાર હુમલો કર્યો હતો.
અફઘાન સરકારનો આકરો વિરોધ
આ હુમલા બાદ અફઘાન સરકારમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રવક્તા ઝબીબુલ્લા મુજાહિદે નિવેદનમાં આ કાર્યવાહીનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ અમાનવીય ગુના અને હુમલાની સૌથી આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. અફઘાનિસ્તાને આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું ઉલ્લંઘન તેમ જ નિર્દોષ નાગરિકો વિરુદ્ધનો ક્રૂર ગુનો ગણાવ્યો છે.






