નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં રાજ્યના જિલ્લા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અનેક જગ્યાએ લોકો અચાનક મોટી માત્રામાં ફ્યુઅલની ખરીદી કરી રહ્યા છે અને આ પરિસ્થિતિને તરત રોકવા માટે મુખ્ય મંત્રી સૂચના આપી છે. અચાનક વધેલી ખરીદીને કારણે રવિવારે 400થી વધુ ફ્યુઅલ આઉટલેટ્સને તાત્કાલિક રીતે બંધ કરવા પડ્યા હતા.
સરકારે આ મામલાને ગંભીરતાથી લેતાં જિલ્લા કલેક્ટરોને તરત જ એક્શન પ્લાન અમલમાં મૂકવા કહ્યું છે. એ સાથે જ દિવસના અંત સુધીમાં અહેવાલ સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી શકે અને કોઈ પણ પ્રકારની અફવા કે ગભરાટથી લોકોને મુશ્કેલી ન પડે.
CMએ ફ્યુઅલ સપ્લાય અને વપરાશ અંગે ટેલિકોન્ફરન્સ કરી
મુખ્ય મંત્રીએ મુખ્ય સચિવ જી. સાંઇ પ્રસાદે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના કુલ 4510 ફ્યુઅલ આઉટલેટ્સમાંથી આશરે 421 હાલમાં બંધ છે.
શનિવારે ડીલરોને 10,345 કિલોલીટર પેટ્રોલ અને 14,156 કિલોલીટર ડીઝલની સપ્લાય આપવામાં આવી હતી. છતાં લોકોમાં ફેલાયેલી ચિંતાને કારણે અનેક જગ્યાએ અચાનક ભીડ એકઠી થઈ અને વધારે ખરીદી જોવા મળી હતી.
સામાન્ય દિવસોથી વપરાશ વધી ગયો
સામાન્ય દિવસોમાં રાજ્યમાં પેટ્રોલનો સરેરાશ વપરાશ લગભગ 6330 કિલોલીટર અને ડીઝલનો 9048 કિલોલીટર રહે છે. પરંતુ હવે તે વધીને પેટ્રોલ 8489 કિલોલીટર અને ડીઝલ 10,556 કિલોલીટર સુધી પહોંચી ગયો છે, જેને કારણે કેટલાક પંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયું હતું.
અચાનક વધેલી માગથી સપ્લાય પર દબાણ
અધિકારીઓએ જણાવ્યું કે ફ્યુઅલની અચાનક વધેલી ખરીદીને કારણે ઘણા પેટ્રોલ પંપો પર સ્ટોક ઝડપથી ખતમ થવા લાગ્યો. સપ્લાય વધારવા છતાં લોકો ગભરાટમાં ખરીદી કરતા હોવાથી પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એ ઉપરાંત લોકો ડ્રમમાં મોટી માત્રામાં ઈંધણ ખરીદી રહ્યા છે, જેને કારણે દબાણ વધુ વધી રહ્યું છે.




