પેપર લીક કેસ: પંજાબ ફાર્મસી ઓફિસર ભરતી પર હાઇકોર્ટનો સ્ટે

ચંડીગઢઃ પંજાબમાં ફાર્માસિસ્ટ ઓફિસર ભરતી પરીક્ષાને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. પરીક્ષાનું પેપર લીક થયાના આરોપો વચ્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂક્યો છે. આગામી સુનાવણી સુધી ભરતીમાં નિમણૂકની પ્રક્રિયા પર રોક રહેશે. આ મામલે કેસર કાંબોજ સહિત અન્ય અરજદારોએ ભરતી પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈને અરજી દાખલ કરી હતી. આ અરજી પર તાજેતરમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફાર્માસિસ્ટ ઓફિસરની ભરતી પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવી છે. હવે આ કેસની આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

શું છે સમગ્ર મામલો?

આ ભરતી પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કરવાની હતી. પરીક્ષા બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ (BFUHS) દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષા ગયા મહિને 19 તારીખે યોજવામાં આવી હતી, જેમાં આશરે 7000 ઉમેદવારો સામેલ થયા હતા. આ પરીક્ષાનું પેપર લીક થયાનો આરોપ છે. પરીક્ષા દરમિયાન 35 ઉમેદવારોને કથિત રીતે નકલ કરતા પકડવામાં આવ્યા હતા. પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ કેટલાક ઉમેદવારો ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી જ લેખિત પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી રહી હતી.

આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 454 ફાર્મસી ઓફિસરની ભરતી કરવાની હતી. આ મામલાને લઈને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવા અને પરીક્ષા રદ કરવાની માગ કરી હતી. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ભરતી પરીક્ષા ફરીથી યોજવી જોઈએ અને સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેવી જોઈએ. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.