ચાકુ વડે ૩ મહિલા પર હુમલો કર્યો: કહ્યું ‘અલ્લાહે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો’

ફ્રાન્સ: રાજધાની પેરિસમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી. બે મોટા રસોડામાં વપરાતા ચાકુ સાથે આવેલા એક શખ્સે રસ્તા પર જતી ત્રણ મહિલાઓ પર અચાનક હુમલો કરી દીધો. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા સહિત ૧૯, ૨૪ અને ૩૬ વર્ષની ત્રણ મહિલા ઘાયલ થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો અનુસાર, હુમલો કરતી વખતે અને જમીન પર પડકાયા બાદ તે શખ્સ કહી રહ્યો હતો કે તેને અલ્લાહ તરફથી હત્યા કરવાનો આદેશ મળ્યો હતો.

ઘટના સ્થળ અને વાયરલ વિડિયો

આ ઘટના ઉત્તરી પેરિસના પોર્તે દ ક્લિચી (Porte de Clichy) વિસ્તારમાં પેરિસ કોર્ટ નજીક બની હતી. વાયરલ થયેલા અને રોયટર્સ દ્વારા વેરિફાય કરાયેલા વિડિયોમાં લાંબા કાળા વાળ ધરાવતો અને ક્રીમ કલરનો ટ્રેકસૂટ પહેરેલો શખ્સ બંને હાથમાં મોટા બુચર નાઇફ (ચાકુ) લઈને રસ્તા પર ચાલી રહ્યો હતો અને રાહદારી મહિલા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

નાગરિકોની હિંમતે હુમલાખોરની અટકાયત કરાવી

ઘટના સમયે ત્યાં હાજર ૨૬ વર્ષીય મોહમ્મદ-અલી બુહાદજરે જણાવ્યું કે જ્યારે તેણે શખ્સને મહિલાની પીઠ પર ચાકુ મારતા જોયો, ત્યારે તેણે આસપાસના લોકોને મદદ માટે બૂમ પાડી. એક વ્યક્તિએ હુમલાખોર પર સૂટકેસ ફેંકી હતી, જેનાથી તેના હાથમાંથી ચાકુ નીચે પડી ગયા હતા. ત્યારબાદ મોહમ્મદ-અલી અને અન્ય નાગરિકોએ તેને જમીન પર પટકાવીને પકડી રાખ્યો હતો. જમીન પર દબાયેલા શખ્સે કહ્યું, “મને અલ્લાહે આદેશ આપ્યો હતો.”ત્યારબાદ નજીકમાં હાજર એક ઓફ-ડ્યુટી પોલીસ અધિકારીએ હિંમત દર્શાવીને તેને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો. પેરિસ પોલીસે જણાવ્યું છે કે હુમલાખોરની ઓળખ કરવાની હજુ બાકી છે અને ધરપકડ સમયે તેના નિવેદનો અસંબંધિત (incoherent) હતા. આ હુમલા પાછળનો વાસ્તવિક હેતુ શું હતો તે અંગે ફ્રેન્ચ એજન્સીઓ વધુ તપાસ ચલાવી રહી છે.