નવી દિલ્હી: સંસદ ભવનમાં છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષી પાર્ટીઓ પ્રદર્શન કરી રહી હતી. જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પોલીસની કડક કાર્યવાહી અને રામ મંદિરના ચઢાવાની ચોરીને મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી જવાબ માગવા માટે સાંસદો તખ્તીઓ લઈને એકત્ર થયા હતા. પરંતુ મંગળવારે સ્થિતિ બદલાઈ ગઈ અને સત્તાધારી પક્ષના સાંસદો પણ પ્રદર્શન કરવા માટે ઊતરી આવ્યા હતા. સંસદ પરિસરના મુખ્ય દરવાજાઓમાંથી એક એવા મકર દ્વાર પર બંને પક્ષના સાંસદો એકઠા થયા અને એકબીજા વિરુદ્ધ નારેબાજી કરતા રહ્યા હતા.
એક તરફ વિપક્ષી પાર્ટીઓની માગ છે કે અમિત શાહ સંસદમાં આવીને નિવેદન આપે અને જણાવે કે દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી શા માટે કરવામાં આવી. આ ઉપરાંત રામ મંદિરના ચઢાવાની ચોરીને મુદ્દે પણ જવાબ માગવામાં આવી રહ્યો છે. બીજી તરફ સત્તાધારી પક્ષના સાંસદો હવે રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઝારખંડમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે બર્બરતા કરી છે. આ મુદ્દે રાહુલ ગાંધી કંઈ બોલવા માટે તૈયાર નથી. સાંસદોનું કહેવું છે કે આ રાહુલ ગાંધીનું બેવડું વલણ છે. નોંધનીય છે કે ઝારખંડ સરકારમાં કોંગ્રેસ પણ ભાગીદાર છે. હેમંત સોરેનની સરકારમાં કોંગ્રેસ જુનિયર પાર્ટનર તરીકે સામેલ છે.

હકીકતમાં, NDAના સાંસદો હવે એટલા માટે પણ આક્રમક બન્યા છે કારણ કે દિલ્હીમાં પ્રદર્શનના મુદ્દે અમિત શાહ નિવેદન આપવા માટે તૈયાર છે. હવે NDAના સાંસદોનું કહેવું છે કે વિપક્ષ ચર્ચાથી કેમ ભાગી રહ્યો છે? જ્યારે પોલીસની કાર્યવાહી અંગે ચર્ચા થશે, ત્યારે ઝારખંડને મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુનું કહેવું છે કે અમિત શાહ નિવેદન આપવા માટે તૈયાર છે. તેઓ વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે, પરંતુ વિપક્ષે તેમને શાંતિથી સાંભળવા પડશે. બીજી તરફ રાહુલ ગાંધીનું કહેવું છે કે વિપક્ષને અમિત શાહને સાંભળવામાં કોઈ રસ નથી. અમને માત્ર એટલો જવાબ જોઈએ છે કે દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ સામે બર્બરતા શા માટે કરી.




