PM મોદીની માફી માગવાના મુદ્દે સસંદીય સમિતિનું મેટાને અલ્ટિમેટમ

નવી દિલ્હી: વડા પ્રધાન મોદીનો એક વિડિયો કેટલાક કલાકો સુધી ફેસબુક પરથી હટાવી દેવાને મામલે સંસદીય સ્થાયી સમિતિએ મેટા (Meta) સામે આકરું વલણ અપનાવ્યું છે. સમિતિએ ચેતવણી આપી છે કે જો કંપની ત્રણ દિવસની અંદર આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ભારતમાં તેને મળતી ‘સેફ હાર્બર’ (Safe Harbour) કાનૂની સુરક્ષા પર પુનર્વિચાર કરવાની ભલામણ થશે.

સંસદીય સ્થાયી સમિતિએ Metaના પ્રતિનિધિઓને વડા પ્રધાનનો વિડિયો હટાવવાનાં કારણો અંગે સવાલો પૂછ્યાં હતાં. આ વિડિયો ફેસબુક પર આશરે પાંચ કલાક સુધી ઉપલબ્ધ નહોતો. સમિતિએ આ ઘટનાને લઈને મેટાના CEO માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) પાસેથી વ્યક્તિગત જવાબદારી અને જાહેર માફીની માગ કરી છે.

આ વિવાદ તે વિડિયો બાદ શરૂ થયો હતો, જેમાં વડા પ્રધાન મોદીએ નીટ (NEET) પેપર લીકના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો અંગે વાત કરી હતી અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

જવાબદારી નક્કી કરવાની માગ

સમિતિના અધ્યક્ષ નિશિકંત દુબેએ જણાવ્યું હતું કે માત્ર માફી માગવી પૂરતી નથી, પરંતુ આ ભૂલ માટે જવાબદાર કોણ છે તે પણ નક્કી થવું જોઈએ. તેમણે માર્ક ઝકરબર્ગને વ્યક્તિગત રીતે માફી માગવાની માગ કરી હતી. આ કાનૂની સુરક્ષા ઓનલાઈન ઇન્ટરમિડિયરી (મધ્યસ્થ) પ્લેટફોર્મોને તૃતીય પક્ષ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે સીધી જવાબદારીમાંથી બચાવે છે, જો તેઓ કાયદા મુજબ જરૂરી ડ્યુ ડિલિજન્સનું પાલન કરતા હોય.

Meta સામે કડક સવાલો

બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ Metaને પૂછ્યું કે વડા પ્રધાનનો વિડિયો હટાવવાનો નિર્ણય કોણે લીધો અને શા માટે લીધો, જ્યારે પ્લેટફોર્મ પર અન્ય અનેક વાંધાજનક કન્ટેન્ટ હજુ પણ ઉપલબ્ધ હતું. સભ્યોએ એલ્ગોરિધમમાં સંભવિત પક્ષપાત અને સામાન્ય વપરાશકર્તાઓના કન્ટેન્ટની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે જો વડા પ્રધાન મંત્રીનો વીડિયો પણ હટાવી શકાય છે, તો સામાન્ય નાગરિકોના કન્ટેન્ટની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થશે?

સંસદીય સમિતિની બેઠકમાં Meta ઉપરાંત Google, YouTube સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મોના પ્રતિનિધિઓ તેમજ MeitY અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયાનો હેતુ સોશિયલ મિડિયા પ્લેટફોર્મોની જવાબદારી, ઓનલાઈન સુરક્ષા અને ભારતીય કાયદાઓના પાલનની સમીક્ષા કરવાનો છે.