અમદાવાદમાં અગિયારીમાં પારસીઓએ નવું વર્ષ ‘નવરોજ’ની ઉજવણી કરી

એક તરફ સમગ્ર દેશ 15મી ઓગષ્ટ આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે તો બીજી તરફ ગુજરતમાં શીતળા સાતમની પૂજા પણ થઇ રહી છે. તેમજ જીવંતિકા જેવા વ્રતનું પણ પજન થઇ રહ્યું છે. તથા આજના દિવસે ભારતીય સંસ્કૃતિ સાથે પારસી સમાજ એમનું નવું વર્ષ નવરોજ પણ ઉજવી રહ્યું છે.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ

અમદાવાદ શહેરમાં ખમાસા વિસ્તારમાં આવેલી પારસી અગિયારીમાં વહેલી સવારથી જ નવરોજ ઉજવવા માટે લોકો ભેગા થયા હતાં. પવિત્ર અગ્નિ જ્યાં પૂજાય છે એ અગિયારીમાં પારસી ભાઈ બહેનોએ નવા વર્ષ ની ઉજવણી કરી હતી.

તસવીર:પ્રજ્ઞેશ વ્યાસ

ઐતિહાસિક રીતે જોઈએ તો મૂળ ઈરાનથી આવેલા અને સંજાણ બંદરે ઉતરી ભારતમાં તમામ લોકો સાથે ભળી ગયેલા પારસી સમુદાયે આગવી ઓળખ ઉભી કરી છે. ભારત દેશમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંરક્ષણ ક્ષેત્ર સહિત અનેક જગ્યાએ પારસી સમુદાયના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે. જેમાં દાદાભાઈ નવરોજજી, જમશેદજી ટાટા , જનરલ માનેક્સા જેવા અનેક મહાનુભાવોનો સમાવેશ થાય છે.

તસવીર:પ્રજ્ઞેશ વ્યાસ

નવરોજ એટલે નવો દિવસ…પ્રકૃતિને ધન્યવાદ કરતો આ દિવસ છે. નવરોજનો તહેવાર પારસી રાજા જમશેદના નામથી રાખવામાં આવ્યો હતો. પારસી રાજા જમશેદ દ્વારા શહેનશાહી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સમુદાયના લોકો માને છે કે જમશેદે દુનિયાને તબાહ થતી બચાવી હતી. એની તાજપોશીનો ઉત્સવ મનાવાયો અને ત્યાર પછી આ તહેવાર રૂપે ઉજવવાનું શરૂ થયું.

નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે પારસીઓ જ્યાં પણ વસે છે ત્યાં અગિયારીમાં જઈ પૂજા કરે છે. સગાં વહાલાં મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

(અહેવાલ- પ્રજ્ઞેશ વ્યાસ)