પાસપોર્ટ વિવાદ: પવન ખેડાને સુપ્રીમમાંથી મળ્યા શરતી જામીન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને જાલસાજી અને માનહાનિ કેસમાં મોટી રાહત આપતાં તેમના આગોતરા જામીન (anticipatory bail) મંજૂર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે કેસની તપાસ ચાલુ રહી શકે છે, પરંતુ ધરપકડ કરવાની જરૂરિયાત પર સંતુલન જાળવવું જરૂરી છે. આ નિર્ણયથી હાલ માટે ખેડાની ધરપકડ પર સ્ટે લાગી ગયો છે. આસમ પોલીસે તેમના વિરુદ્ધ જાલસાજી અને માનહાનિનો કેસ નોંધ્યો હતો. ગુરુવારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આસમ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં પવન ખેડા પર આપત્તિજનક નિવેદનો અને દસ્તાવેજોમાં ગેરરીતિના આરોપો લગાવવામાં આવ્યા હતા. અગાઉથી જામીન આપતાં કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ નજરે આ મામલો રાજકીય સ્પર્ધાથી પ્રભાવિત લાગે છે અને આવા કેસોમાં વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાથમિકતા આપવી જોઈએ.

હાઇકોર્ટનો આદેશ પલટાયો

ગૌહાટી હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ ખેડાએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. સુપ્રીમે હાઇકોર્ટનો આદેશ રદ કરતાં કહ્યું હતું કે ઉપલબ્ધ તથ્યો અને પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું.

રાજકીય ટકરાવ

કોર્ટે  આદેશમાં જણાવ્યું કે આ કેસમાં લગાવવામાં આવેલા આરોપો અને તેના જવાબમાં આપવામાં આવેલા જાહેર નિવેદનો દર્શાવે છે કે વિવાદમાં રાજકીય તત્ત્વ મુખ્ય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફોજદારી પ્રક્રિયાનો ઉપયોગ ‘રાજકીય પ્રતિસ્પર્ધાના સાધન’ તરીકે થવો જોઈએ નહીં.

કોર્ટે માન્યું હતું કે કેસ મુખ્યત્વે દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત છે, જે પહેલેથી તપાસ એજન્સી પાસે ઉપલબ્ધ છે. તેથી કસ્ટડીમાં પૂછપરછની જરૂરિયાત નથી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આરોપીની હાજરી કસ્ટડી વિના પણ સુનિશ્ચિત કરી શકાય છે.જામીન સાથે કડક શરતો

* તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે

* પોલીસ બોલાવે ત્યારે હાજર રહેવું ફરજિયાત રહેશે