આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મોના જાણીતા અભિનેતા પવન કલ્યાણ તથા તેમની પત્ની અન્ના કોનિડેલાએ અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે. બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તેઓ પરસ્પર સમજણ અને એકબીજા પ્રત્યેના સન્માન સાથે અલગ થઈ રહ્યા છે.

સપ્ટેમ્બર 2013માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ કપલને બે બાળકો છે. બંનેએ સ્પષ્ટ કર્યું છે કે લગ્નજીવનનો અંત આવ્યા બાદ પણ તેઓ સારા મિત્રો અને બાળકો પ્રત્યે સમર્પિત માતા-પિતા બની રહેશે.
બાળકોની ખુશી રહેશે પ્રથમ પ્રાથમિકતા
સંયુક્ત નિવેદનમાં બંનેએ જણાવ્યું હતું કે,”જીવનનો મહત્વપૂર્ણ સમય સાથે વિતાવ્યા બાદ અમે પરસ્પર સમજણ અને સન્માન સાથે અલગ થવાનો નિર્ણય કર્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે બાળકોની ખુશી અને ભવિષ્ય બંને માટે હંમેશાં પ્રથમ પ્રાથમિકતા રહેશે. આ અંગત નિર્ણય દરમિયાન ચાહકો અને શુભેચ્છકોને તેમની ખાનગી જિંદગીનું સન્માન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
અન્નાએ ડિલીટ કર્યું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
અલગ થવાની જાહેરાત બાદ અન્ના કોનિડેલાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર તેમનું સ્વાગત કર્યું હતું.
સપ્ટેમ્બર 2013માં થયા હતા લગ્ન
પવન કલ્યાણે સપ્ટેમ્બર 2013માં રશિયન નાગરિક અન્ના સાથે લગ્ન કર્યા હતા. હૈદરાબાદના સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્ન થયા હતા.બંનેને બે બાળકો છે. પુત્રીનું નામ પોલેના અંજના પવનોવા અને પુત્રનું નામ માર્ક શંકર પવનોવિચ છે.
પવન કલ્યાણના આ ત્રીજા લગ્ન હતા
પવન કલ્યાણે વર્ષ 1997માં નંદિની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. જોકે, બંને વચ્ચે થોડા સમય બાદ મતભેદ થતાં તેઓ અલગ થઈ ગયા હતા અને 2008માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ પવન કલ્યાણે વર્ષ 2009માં અભિનેત્રી રેણુ દેસાઈ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2011માં અલગ થયા હતા અને 2012માં તેમના છૂટાછેડા થયા હતા.






