NPLમાં રમવા માટે ખેલાડીદીઠ રૂ. 24 લાખ રૂપિયાની PCBની માગ

નવી દિલ્હીઃ નેપાળ પ્રીમિયર લીગ (NPL)માં પાકિસ્તાની ખેલાડીઓની ભાગીદારીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. લીગના આયોજકોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર આરોપ લગાવ્યો છે કે તે પાકિસ્તાની ખેલાડીઓને વિદેશી T-20 લીગમાં રમવાની મંજૂરી આપવા માટે દરેક ખેલાડીદીઠ 25,000 અમેરિકન ડોલરની માગ કરી રહ્યું છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે 23.73 લાખ રૂપિયા થાય છે. આ મામલે PCBની કામગીરી અને વિદેશી T-20 લીગમાં રમતા ખેલાડીઓના અધિકારોને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

NOC ન મળતાં પાકિસ્તાની ખેલાડીઓની મુશ્કેલીઓ વધી

અહેવાલો અનુસાર PCBએ નેપાળ પ્રીમિયર લીગમાં ભાગ લેનારા કેટલાક પાકિસ્તાની ખેલાડીઓને હજુ સુધી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપ્યું નથી. કેટલાક ખેલાડીઓને અગાઉ મંજૂરી મળી ગઈ હતી, પરંતુ બાદમાં તેમની મંજૂરી કથિત રીતે અટકાવી દેવામાં આવી હતી.

આ વિવાદથી પ્રભાવિત ખેલાડીઓમાં પાકિસ્તાનના T-20 કેપ્ટન સાહિબઝાદા ફરહાન, હૈદર અલી, હુનૈન શાહ, હુસૈન તલત, ઇફ્તિખાર અહમદ, હસન અલી અને ઉસામા મીરનાં નામ સામેલ હોવાનું જણાવાયું છે. અહેવાલ અનુસાર કેટલાક ખેલાડીઓ નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચી ચૂક્યા છે. જોકે NOCની સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી તેમની ટુર્નામેન્ટમાં ભાગીદારી અંગે અનિશ્ચિતતા છે. બીજી તરફ, કેટલાક અન્ય ખેલાડીઓએ વિવાદ ઉકેલાય ત્યાં સુધી પોતાની મુસાફરી અટકાવી દીધી છે. NPLનું આયોજન 26 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી થવાનું છે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ શરૂ થવાને સમયે જ આ વિવાદ ખેલાડીઓ અને આયોજકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.

PCBએ દરેક ખેલાડીદીઠ 25,000 ડોલર માગ્યા!

આ સમગ્ર વિવાદનો સૌથી મહત્ત્વનો મુદ્દો કથિત રીતે 25,000 ડોલરની માગ છે. નેપાળ પ્રીમિયર લીગના આયોજકોનો આરોપ છે કે PCB પાકિસ્તાની ખેલાડીઓને ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપવાના બદલામાં દરેક ખેલાડીદીઠ આ રકમ માગી રહ્યું છે. આ પ્રકારના આરોપો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તેથી આ મામલે ફરી એક વાર વિદેશી T-20 લીગમાં પાકિસ્તાની ખેલાડીઓની ભાગીદારી અને PCBની મંજૂરી પ્રક્રિયા ચર્ચામાં આવી છે.