પાકિસ્તાનમાં પેટ્રોલ લિટરદીઠ રૂ. 414એ પહોંચતાં લોકો ત્રાહિ મામ્

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બુધવારે પેટ્રોલની કિંમત રૂ. 414ને પાર થઈ છે. ત્યાં LPGના એક કિલોની કિંમત રૂ. 300ને પાર કરી ચૂકી છે. દેશમાં ક્રૂડ ઓઇલનો ભંડાર માટે એક સપ્તાહનો હાજર છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક માત્ર 30 દિવસો માટેનો છે. પાકિસ્તાનમાં પેટ્રોલના વધતા ભાવ અને ક્રૂડ ઓઇલની આસમાને પહોંચેલી કિંમતોને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની છે. પેટ્રોલ અને ગેસના વધતા બિલથી સરકારની ચિંતા વધી ગઈ છે. વિદેશી મુદ્રા ભંડાર પહેલેથી જ દબાણમાં છે, વેપાર ખાધ સતત વધી રહી છે અને સામાન્ય જનતા મોંઘવારીનો ભારે માર સહન કરી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર હવે ઓઇલ સંકટમાંથી બહાર આવવા માટે અનેક મોટા પગલાં લેવા મજબૂર બની છે.

ઓઇલ સંકટે પાકિસ્તાનના અર્થતંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકાર હવે ઈંધણ બચત, આયાત નિયંત્રણ અને ખાડી દેશો પાસેથી રાહત મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે, પરંતુ વધતી મોંઘવારી અને વેપાર ખાધ નવી ચિંતા બની ગઈ છે.

 પાકિસ્તાન શું પગલાં લઈ રહ્યું છે?

સરકારે સૌથી પહેલાં ઈંધણ વપરાશ ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સરકારી કચેરીઓમાં વીજળી અને ઈંધણ બચાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઘણા વિભાગોમાં બિનજરૂરી પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઊર્જા બચત અભિયાનને ફરીથી તેજ બનાવવામાં આવી રહ્યું છે જેથી આયાતી તેલની માગ ઓછી થાય.

પેટ્રોલ અને ગેસના વધતા ભાવને કારણે પાકિસ્તાનની વેપાર ખાધ એપ્રિલમાં 4.07 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ એ જ પાકિસ્તાન છે, જે પહેલેથી જ વિદેશી દેવાં, ઘટતા વિદેશી મુદ્રા ભંડાર અને નબળી ઔદ્યોગિક વ્યવસ્થા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. હવે મોંઘા ઈંધણે તેની મુશ્કેલીઓ વધુ ગંભીર બનાવી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ જલદી ખતમ નહીં થાય, તો પાકિસ્તાનને વધુ કઠિન નિર્ણયો લેવા પડી શકે છે. પેટ્રોલના ભાવમાં વધુ વધારો, વીજ દરોમાં વધારો અને સરકારી ખર્ચમાં કપાત જેવાં પગલાં આવતા દિવસોમાં જોવા મળી શકે છે.