નવી દિલ્હીઃ મધ્ય-પૂર્વમાં વધતા તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત ઉતાર-ચઢાવ અને ઊર્જા સંકટ (જેમ કે હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ) વચ્ચે ભારતીય ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલની મોંઘવારીનો વધુ એક મોટો આંચકો લાગ્યો છે. છેલ્લા 12 દિવસમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં ચોથી વખત વધારો નોંધાયો છે. સતત વધતા ભાવોને કારણે સામાન્ય લોકો, નોકરિયાત વર્ગ અને ટ્રાન્સપોર્ટર્સના માસિક બજેટ પર ભારે પ્રતિકૂળ અસર પડી છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા કરવામાં આવેલા તબક્કાવાર ભાવવધારા પછી દેશનાં અલગ-અલગ રાજ્યો અને મોટાં શહેરોમાં ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેને કારણે ઘરેલુ બજારમાં મોંઘવારી વધવાની ભીતિ ઊભી થઈ છે.
12 દિવસમાં કેટલા વધ્યા પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ?
ઇન્ડિયન ઓઇલના આંકડા મુજબ 15 મેથી ઇંધણના ભાવમાં ફરી વધારો શરૂ થયો હતો. ત્યારથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને લગભગ રૂ. 7.5 પ્રતિ લિટરનો વધારો થયો છે. એ ઉપરાંત CNGના ભાવમાં પણ છેલ્લા 10 દિવસમાં રૂ. 4 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. આ ભાવવધારાની સીધી અસર ટૂ વ્હીલર અને કારના વાહનચાલકો પર તો પડી રહ્યો જ છે, પરંતુ ઓટો અને કેબ ચાલકોની રોજિંદી આવક પણ અસરગ્રસ્ત થઈ રહી છે.
વૈશ્વિક બજારો પર અસર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે દેશની સરકારી ઓઇલ કંપનીઓ પર દબાણ વધ્યું છે અને તેની ભરપાઈ કરવા માટે ઇંધણના ભાવ વધારવામાં આવ્યા છે.
સરકાર પર વિરોધ પક્ષના હુમલા
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોને લઈને વિરોધ પક્ષે NDA સરકાર પર નિશાન સાધ્યું છે. વિરોધ પક્ષનો આરોપ છે કે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન ઇંધણના ભાવ વધારવામાં આવ્યા નહોતા, પરંતુ મે મહિનામાં ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી સતત ભાવ વધારીને સામાન્ય જનતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.




