નવી દિલ્હીઃ ભારતીય પાયલટ સંઘ (FIP) એ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ પગલું 12 જૂનેજ બનેલી એર ઈન્ડિયાની દુર્ઘટના અંગે તેમના તાજેતરના રિપોર્ટ્સને પગલે લેવામાં આવ્યું છે, જેમાં દુર્ઘટનાનું સંભવિત કારણ પાયલટની ભૂલ કે કોકપિટમાં થયેલા કન્ફ્યુઝનને બતાવવામાં આવ્યું હતું. ફેડરેશને આક્ષેપ કર્યો છે કે આ મિડિયા રિપોર્ટ્સમાં કોઈ પણ મજબૂત પુરાવા વિના દુર્ઘટનાનું કારણ ‘પાયલટની ભૂલ’ ઠેરવવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક છે.
FIP દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં આ મિડિયા હાઉસિસ પાસેથી ઔપચારિક માફીની માગ કરી છે અને તેમની રિપોર્ટિંગને ‘પક્ષપાતી અને બિનજવાબદાર’ ગણાવ્યું છે. FIPના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવું રિપોર્ટિંગ ‘બિનજવાબદાર’ છે, ખાસ કરીને ત્યારે જ્યારે હજુ તપાસ ચાલુ છે.
કાનૂની નોટિસમાં જણાવાયું છે કે અમે આ બાબતને રેકોર્ડ પર મૂકવા માગીએ છીએ કે આવા અંદાજોને આધારે તૈયાર કરાયેલા કન્ટેન્ટનું પ્રકાશન અત્યંત બિનજવાબદાર છે અને જે મૃત પાયલટોની પ્રતિષ્ઠાને ગંભીર અને હાનિ પહોંચાડી છે, જે હવે પોતાનું રક્ષણ પણ કરી શકતા નથી. રોઇટર્સે શોકગ્રસ્ત પરિવારોને પણ બિનજરૂરી દુઃખ આપ્યું છે અને પાયલટ સમુદાયના મનોબળને તોડ્યું છે, જે હંમેશાં ભારે દબાણ અને જાહેર જવાબદારી વચ્ચે કામ કરે છે.
FIP એ કહ્યું કે ભલે આ દુર્ઘટનાએ મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન ખેંચ્યું હોય, પણ આ સમય ભારતીય હવાઈ ઉદ્યોગની સુરક્ષા અંગે ભય કે શંકા ફેલાવવાનો નથી, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ પણ વિગતોની પુષ્ટિ હજુ થઈ નથી. સંઘે મિડિયા સમુદાયને અનુરોધ કર્યો છે કે સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અણધારેલી અટકળોથી બચવું જોઈએ.
