પ્લેબેક સિંગર બબલા મહેતાનું નિધન, ચાંદની, દિલ હૈ કે માનતા જેવી ફિલ્મમાં આપ્યો છે અવાજ

બૉલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર બબલા મહેતાનું આજે એટલે કે 24 જૂલાઈના રોજ મુંબઈમાં નિધન થયું છે. તેમણે દિલ હૈ કે માનતા નહીં, ચાંદની, સડક, તહલકા અને મેજર સાબ જેવી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો.

બાબતા મહેતાનું પહેલું ગીત ચાંદની ફિલ્મનું “તેરે મેરે હોઠોં પે…” હતું, જે તેમણે લતા મંગેશકર સાથે ગાયું હતું. આ ગીત તેમની કારકિર્દીમાં એક વળાંક સાબિત થયું હતું. તેમણે મોટાભાગે નૉન-ફિલ્મી ગીતોની રચના કરી હતી. વાઉન્ડેડ (2007)નું સંગીત બબલા મહેતા દ્વારા આપવામાં આવ્યું હતું.

બબલા મહેતા વિશે વધુમાં વાત કરીએ તો તેમનો જન્મ ઇન્દર જીત અને રાજ રાણી મહેતાને ત્યાં થયો હતો, જેઓ એક મધ્યમ વર્ગના પરિવારમાં રહેતા હતા. તેમના પિતા એક વરિષ્ઠ બેંકર હતા અને મન્ના ડેના ચાહક હતા. શરૂઆતના વર્ષોમાં બબલા મહેતાએ તેમના પિતા પાસેથી સંગીત પ્રત્યેનો જુસ્સો કેળવ્યો હતો. તેઓ ઝડપથી શીખનારા અને સંગીત પ્રત્યે ખૂબ રુચિ ધરાવનાર હતાં.

બબલા મહેતાએ કિશોરાવસ્થામાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ શરમાળ સ્વભાવને કારણે તેણે શાળા અને કોલેજના દિવસોમાં સ્ટેજ પર ગાવાની હિંમત ના કરી. એક દિવસ, તેમણે કોલેજના એક સાથીને ગીત ગાતી વખતે યોગ્ય સૂર ન લગાવવા બદલ સુધાર્યો. છોકરાએ ગુસ્સો કર્યો અને બબલાની સંગીત ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો. આ ઘટનાએ બબલા મહેતાને જાહેરમાં ગાતા શરૂ કરી દીધા અને દુનિયાને પોતાની ક્ષમતાઓ બતાવવાનો સંકલ્પ કર્યો.

શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પિતાના પગલે ચાલીને બેંકિંગમાં કારકિર્દી શરૂ કરી, જોકે તેઓ જાણતા હતા કે તેમનું સાચું કામ સંગીત છે. તેથી તેમણે લાઇવ મ્યુઝિક શોમાં ગાવાનું શરૂ કર્યું. આવા જ એક શોમાં સંગીત મુઘલ ગુલશન કુમારે તેમની પ્રતિભા જોઈ અને તેમને ગીત ગાવાની તક આપી.