રાંચી: ઝારખંડના રાજકારણમાં સત્તારૂઢ મહાગઠબંધન (JMM-કોંગ્રેસ)ની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા ક્રોસ-વોટિંગ બાદ બંને પક્ષો વચ્ચે અસંતોષ અને તણાવ વધી ગયો છે. એ દરમિયાન રાજ્યના નાણાપ્રધાન રાધાકૃષ્ણ કિશોરે પોતાની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો અને સરકારી વાહનો પરત કરીને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આ ઉપરાંત તેમણે અનેક મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી છે, જેને કારણે ગઠબંધનની અંદર બધું સામાન્ય નથી તેવા સંકેતો મળ્યા છે. સરકારની નિર્ણય લેવાની રીત તેમ જ કોંગ્રેસના કાર્યકરોની અવગણના જેવા મુદ્દાઓને લઈને પણ પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ અસંતોષમાં હોવાનું કહેવાય છે. રાધાકૃષ્ણ કિશોર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની જ સરકારથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોંગ્રેસ ક્વોટામાંથી સરકારના સૌથી વરિષ્ઠ પ્રધાન અને સરકારમાં નંબર-2નું સ્થાન ધરાવતા રાધાકૃષ્ણ કિશોરના આ પગલાથી સૌ કોઈ આશ્ચર્યચકિત છે. તેમની નારાજગી વચ્ચે મુખ્ય મંત્રી હેમંત સોરેન દિલ્હી ગયા છે. આ પ્રવાસને ખાનગી ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે.
આનું એક કારણ એ પણ છે કે ઝારખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહુ અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી તેમ જ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બાબુલાલ મરાંડી પણ હાલ દિલ્હીમાં છે. બંને નેતાઓએ રવિવારે પક્ષના અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરીને રાજ્યની રાજકીય પરિસ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આવી સ્થિતિમાં હેમંત સોરેનના દિલ્હી પ્રવાસને લઈને રાજકીય અટકળો વધુ તેજ બની ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આગામી સમયમાં ઝારખંડના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના નેતાઓનાં નિવેદનોથી નારાજ થયેલા હેમંત સોરેન ટૂંક સમયમાં ભાજપ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં NDA સરકાર બનાવી શકે છે.
આ અટકળો પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જ મહાગઠબંધનમાં મતભેદોના સંકેતો મળી ગયા હતા. મહાગઠબંધન પાસે પૂરતું સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે ભલે આ હાર માટે RJD અને ડાબેરી પક્ષોને જવાબદાર ઠેરવ્યા હોય, પરંતુ ઝારખંડના રાજકારણને નજીકથી સમજતા લોકોનું માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ હેમંત સોરેનની રાજકીય વ્યૂહરચના હતી.




