નવી દિલ્હીઃ NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને મુદ્દે રાજકીય ગરમાટો વધ્યો છે. સંસદનું મોન્સુન સત્ર સતત ત્રીજા દિવસે પણ સુચારુ રીતે ચાલી શક્યું નથી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે ગઈ કાલે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો અને તેમની સાથે મારપીટ કરી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તેઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગ કરી રહ્યા હતા.
શિક્ષણ વ્યવસ્થા હવે ગેરરીતિઓનું કેન્દ્ર બની ગઈ છે
તેમણે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાઓમાં ગણાતી હતી, પરંતુ આજે તે ગેરરીતિઓથી ભરેલી વ્યવસ્થા બની ગઈ છે. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં 152 વખત પેપર લીક થયાં છે અને કોઈને સજા નથી થઈ. જો ગણતરી કરીએ તો લગભગ દર મહિને એક પેપર લીક થયું છે. તેમણે કહ્યું હતું કે આશરે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. આમાં મોટા ભાગે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો સામેલ છે. તેઓ પોતાની મહેનતની કમાણી શિક્ષણ માટે ખર્ચે છે, છતાં તેમની સાથે હળાહળ અન્યાય થાય છે.
VIDEO | Delhi: Ahead of his press conference, Lok Sabha LoP Rahul Gandhi plays footage from the July 20 ‘Chalo Sansad’ protest. pic.twitter.com/04lGQaB0oV
— Press Trust of India (@PTI_News) July 22, 2026
પરીક્ષાઓનો ખર્ચ અસહ્ય બની ગયો છે
તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષાઓનો ખર્ચ હવે અસહ્ય સ્તરે પહોંચી ગયો છે. તેમના જણાવ્યા મુજબ દર વર્ષે NEET સંબંધિત ખર્ચ લગભગ રૂ. 1.32 લાખ કરોડ થાય છે, જ્યારે ભારત સરકારનું કુલ શિક્ષણ બજેટ આશરે રૂ. 1.4 લાખ કરોડ છે.

વિદ્યાર્થીઓની માત્ર ત્રણ માગ
તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર ત્રણ એવી માગ કરી રહ્યા છે જે સંપૂર્ણપણે વાજબી છે અને સરકારે તેને સ્વીકારવી જોઈએ. કોંગ્રેસ વિદ્યાર્થીઓની આ માગોને સંપૂર્ણ સમર્થન આપે છે:
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ.
- વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર દરેક વ્યક્તિને જવાબદાર ઠેરવી કાર્યવાહી થવી જોઈએ.
- વડા પ્રધાને વિદ્યાર્થીઓ પાસે જાહેરમાં માફી માગવી જોઈએ.




