PM ઇન્ટર્નશિપ યોજનામાં CA ફર્મ્સનો સમાવેશ: ઇન્ટર્ન્સને ₹9,000નું માસિક સ્ટાઇપેન્ડ

અમદાવાદ: ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) વ્યવસાય સાથે જોડાયેલી દેશભરની નાની-મોટી ફર્મ્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ્સ પણ ‘પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના’ (PMIS) હેઠળ ઇન્ટર્ન્સ રાખી શકશે અને આ યોજનાનો સીધો લાભ મેળવી શકશે. ICAI અમદાવાદ બ્રાન્ચના પૂર્વ ચેરમેન સીએ. ડો. જૈનિક વકીલના જણાવ્યા અનુસાર, આ સુધારાથી સીએ વ્યવસાયના માળખામાં મોટો હકારાત્મક બદલાવ આવશે.

નિયમોમાં મોટી રાહત: CSR બજેટની અનિવાર્યતા દૂર થઈ

અગાઉના નિયમો મુજબ, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) હેઠળ ઇન્ટર્ન્સ રાખવા માટે કંપનીઓએ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડમાંથી સ્ટાઇપેન્ડનો નિયત હિસ્સો ચૂકવવો પડતો હતો. જોકે, મોટાભાગની CA ફર્મ્સ ભાગીદારી (Partnership) અથવા માલિકી (Proprietorship) ધોરણે ચાલતી હોવાથી તેમની પાસે કોઈ અલગ CSR બજેટ હોતું નથી. સરકારે આ વ્યવહારિક મુશ્કેલીને ધ્યાને રાખીને નિયમમાં મોટી રાહત આપી છે, જેના કારણે ભારતભરની હજારો સીએ ફર્મ્સ માટે આ યોજનાના દ્વાર ખુલી ગયા છે.

અત્યાર સુધી આ યોજના મુખ્યત્વે માત્ર મોટી કંપનીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે તેમાં સીએ ફર્મ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેશના યુવાનોને શૈક્ષણિક જ્ઞાનની સાથે વાસ્તવિક વ્યાવસાયિક વાતાવરણમાં વ્યવહારિક તાલીમ આપવાનો અને સાથે જ સીએ ફર્મ્સને કુશળ માનવબળ પૂરું પાડવાનો છે. ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં કાર્યરત નાની અને મધ્યમ કદની CA ફર્મ્સ માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.

ઇન્ટર્ન્સને કયા ક્ષેત્રોમાં મળશે તાલીમ?

આ પ્રસ્તાવ અમલમાં આવવાથી સીએ ફર્મ્સમાં જોડાતા ઇન્ટર્ન્સને નાણાકીય અને કાનૂની ક્ષેત્રના વિવિધ પાસાઓનું પ્રેક્ટિકલ જ્ઞાન મળશે. જેમાં મુખ્યત્વે:

  • Tax Audit (ટેક્સ ઓડિટ)

  • Statutory Audit (સ્ટેચ્યુટરી ઓડિટ)

  • GST Compliance (જીએસટી કમ્પ્લાયન્સ)

  • Income Tax Return Filing (ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ)

  • Accounting (એકાઉન્ટિંગ)

  • TDS Compliance (ટીડીએસ કમ્પ્લાયન્સ) અને અન્ય વ્યાવસાયિક વિષયોની તાલીમ આપવામાં આવશે.

રૂપિયા 9,000નું માસિક સ્ટાઇપેન્ડ: જાણો કેવી રીતે થશે ચુકવણી

યોજના હેઠળ જોડાનારા ઇન્ટર્ન્સને દર મહિને કુલ 9,000 રૂપિયાનું આર્થિક ભથ્થું (Stipend) મળવાપાત્ર રહેશે. આ સ્ટાઇપેન્ડની રકમમાં સરકાર અને સીએ ફર્મ બંને ભાગીદારી નોંધાવશે, જેનું માળખું નીચે મુજબ નક્કી કરાયું છે:

સ્ટાઇપેન્ડનો સ્ત્રોત રકમ (પ્રતિ માસ) ચુકવણીની પદ્ધતિ
સરકારનો હિસ્સો (ભારત સરકાર)

₹8,100 (90%)

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા બેંક ખાતામાં

CA ફર્મનો હિસ્સો

₹900 (10%)

ફર્મના પોતાના (Non-CSR) સામાન્ય બિઝનેસ ફંડમાંથી

કુલ માસિક સ્ટાઇપેન્ડ

₹9,000

ઇન્ટર્નને મળવાપાત્ર કુલ માસિક રકમ

સરકારના આ પ્રોત્સાહક પગલાને કારણે વિદ્યાર્થીઓને માત્ર થિયરીકલ નોલેજના બદલે ગ્રાઉન્ડ લેવલનો બિઝનેસ અનુભવ મળશે અને દેશના આર્થિક ક્ષેત્રને વધુ મજબૂત કૌશલ્ય ધરાવતા યુવાનો સાંપડશે.