IIT દિલ્હીના પદવીદાન સમારોહમાં પીએમ મોદીએ આપ્યો મોટો ‘ગુરુમંત્ર’

નીટ પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે ગયા મહિને થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પ્રથમ વખત એક મોટા જાહેર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની વચ્ચે નજરે પડ્યા હતા. પીએમ મોદી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીના 57મા પદવીદાન સમારોહને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ સમારોહ દરમિયાન 587 પીએચડી સંશોધકો સહિત 3000 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

ઝડપથી બદલાતી દુનિયામાં શીખનારા જ જીતશે: પીએમ મોદી

સમારોહને સંબોધતા પીએમ મોદીએ યુવા પેઢીને દરરોજ કંઈક નવું શીખવાની જિજ્ઞાસા જીવંત રાખવા હાકલ કરી હતી. તેમણે કહ્યું, “આજે દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. કોઈ નિશ્ચિતપણે કહી શકતું નથી કે આગામી 20 થી 30 વર્ષ પછી દુનિયા કેવી હશે. પરંતુ એક વાત યાદ રાખો- જેઓ સતત શીખતા રહેશે, તેઓ જ આગળ વધશે અને જીતશે. જેમનામાં નવા ઉકેલો શોધવાની હિંમત હોય છે, તેમના માટે પડકારો જ અવસરમાં બદલાઈ જાય છે અને આ જ વાત તમે IIT દિલ્હીમાં શીખી છે.”

દુનિયામાં તાકાતનું સંતુલન ક્ષણે-ક્ષણે બદલાઈ રહ્યું છે

વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત હવે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે દેશના યુવાનો માટે અનેક નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. ટેકનોલોજીની ઝડપના કારણે વિશ્વમાં તાકાતનું સંતુલન દર પળે બદલાઈ રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, “દરેક પેઢીએ પોતાના સમયના વિશિષ્ટ પડકારોનો સામનો કરવો પડે છે અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવવી પડે છે. આગામી 30 થી 35 વર્ષમાં તમે જે કંઈ પણ કરશો, તે ‘વિકસિત ભારત’ તરફની આપણી યાત્રાને અસર કરશે. તેથી, તમારા દરેક નિર્ણયનો આધાર એ હોવો જોઈએ કે તેનાથી દેશને શું ફાયદો થશે અને તે દેશની કઈ જરૂરિયાતો પૂરી કરશે.”

સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ

પીએમ મોદીએ IIT દિલ્હી ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત શરૂ કરાયેલી નવી પહેલો માટે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. સેમિકન્ડક્ટર ક્ષેત્રનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, “જ્યારે સરકારે આ દિશામાં પગલાં ભર્યા ત્યારે કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા કે શું ભારત આ કરી શકશે, પરંતુ આજે પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. મને પૂરો વિશ્વાસ છે કે ચિપથી લઈને જહાજો સુધી, બધું જ તમારા હાથથી આ જ દેશમાં બનશે.”