નવી દિલ્હીના દીન દયાળ ઉપાધ્યાય પાર્ક ખાતે શુક્રવારે આયોજિત ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. ભારતીય જનસંઘના નેતા અને ભાજપના વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભક્તિમય સંગીતના આ કાર્યક્રમ દરમિયાન PM મોદી પ્રેક્ષકોની વચ્ચે બેઠા હતા અને કલાકારો સાથે રામ ભજન ગાયું હતું. તેમણે તાળીઓ પાડીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. ભગવાન શ્રીરામને સમર્પિત એક ભજન દરમિયાન PM મોદીએ ખંજરી પણ વગાડી હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો તાળીઓ પાડતા અને ભજન સાથે ગાતા જોવા મળ્યા હતા. કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ PM મોદીએ ઉપસ્થિત લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.
આ પહેલાં પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના ‘અંત્યોદય’ના દર્શનનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે ‘ભજન ક્લબિંગ’?
‘ભજન ક્લબિંગ’ એટલે ભક્તિ સંગીતને કોન્સર્ટ જેવા આધુનિક માહોલમાં રજૂ કરવાની એક નવી રીત. આવા કાર્યક્રમોમાં લાઇવ બેન્ડ, આધુનિક મ્યુઝિક સિસ્ટમ, લાઇટિંગ અને ઉર્જાસભર વાતાવરણ વચ્ચે લોકો સાથે મળીને ભજન અને કીર્તન ગાય છે.
પરંપરાગત ભજનો અને કીર્તનોને આધુનિક અંદાજમાં રજૂ કરવામાં આવતા હોવાથી ખાસ કરીને યુવાનો અને Gen Zમાં આવા કાર્યક્રમો પ્રત્યે રસ વધ્યો છે. સામાન્ય ક્લબ ઇવેન્ટ્સથી અલગ, ‘ભજન ક્લબિંગ’માં મુખ્ય કેન્દ્ર ભક્તિ સંગીત અને આધ્યાત્મિકતા હોય છે.

‘મન કી બાત’માં PM મોદીએ કર્યો હતો ઉલ્લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન ‘ભજન ક્લબિંગ’ના વધતા ટ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યુવાનોમાં ભક્તિ સંગીત પ્રત્યે વધી રહેલી રુચિને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને આધુનિકતાના સંયોજન સાથે જોડીને રજૂ કરી હતી.






