PM મોદીએ ટ્રમ્પ સાથેના ટેન્શન વચ્ચે અમેરિકા જવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ન્યુ યોર્કમાં થનારી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં ભાગ નહીં લે. તેમની જગ્યાએ વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હાલ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ ચાલી રહ્યા છે.

આ પહેલાં પીએમ મોદી પહેલાં UNGAમાં ભાગ લેવા માટે તૈયાર હતા. તેઓ ખુદ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવાના હતા, પરંતુ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરને મોકલવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર નવ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી તેની બેઠક ચાલવાની છે. આ બેઠકમાં સૌપ્રથમ બોલવાની તક બ્રાઝિલને મળશે, ત્યાર બાદ અમેરિકા મહાસભાને સંબોધશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ 23 સપ્ટેમ્બરે વૈશ્વિક નેતાઓને સંબોધવાના છે. સંયુક્ત રાષ્ટ્રને આ તેમનું બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા બાદનું પહેલું સંબોધન હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ સિવાય ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખો પણ 26 સપ્ટેમ્બરે આ મહાસભાને સંબોધશે.

ટ્રમ્પે મોદી વિશે શું કહ્યું?

હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સૂર બદલ્યા છે. પીએમ મોદી વિશે તેમણે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હંમેશાં ખૂબ ખાસ રહ્યા છે. હાલના તણાવ છતાં હું કહી શકું છું કે મોદી મારા ખૂબ સારા મિત્ર છે. તેઓ એક ઉત્તમ પ્રધાનમંત્રી છે, ગ્રેટ છે. પરંતુ હાલ તેઓ જે કરી રહ્યા છે, તે મને પસંદ નથી. તેમ છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશેષ જ રહેશે. આ બાબતે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, ક્યારેક સંબંધોમાં આવી પળો આવી જ જાય છે.