સંસ્કારી નગરી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના મેદાન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંદાજે 6,000થી વધુ Gen-Z યુવા પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે યુવાનોને દેશના ભવિષ્યના નિર્માતા ગણાવતાં વડાપ્રધાને કહ્યું કે, “ઝૂઠની ગૂંજથી ભ્રમિત કરનારાઓ તમને દરેક ચૌરાહે મળશે, પરંતુ ભારતનો નવયુવાન સત્યની હૂંકાર સાથે આગળ વધે છે.” આ સાથે જ તેમણે મેન્યુફેક્ચરિંગ, એઆઈ (AI), સ્કિલ ડેવલપમેન્ટ, રોજગારી અને દેશમાં ઝડપથી બદલાઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વિગતવાર વાત કરી હતી.

અટકતી અને લટકતી યોજનાઓથી મુક્તિ: 2,800 કિમી લાંબો ફ્રેટ કોરિડોર તૈયાર
દેશની બદલાયેલી કાર્યસંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (Dedicated Freight Corridor) નો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂર્વવર્તી સરકારોની લેટલતીફી પર પ્રહાર કરતા જણાવ્યું કે, વર્ષ 2004માં ફ્રેટ કોરિડોરનો વિચાર આવ્યો હતો અને 2006માં કંપની પણ બની ગઈ હતી, પરંતુ 2014 સુધી આ ફાઈલો લટકતી અને અટકતી જ રહી. 7-8 વર્ષમાં એક કિલોમીટરનો ટ્રેક પણ બની શક્યો નહોતો. જ્યારે આજે 2014 પછીની ઝડપી કામગીરીને કારણે 2,800 કિલોમીટરથી વધુ લાંબો ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર નેટવર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે.
માલગાડીઓની બમણી રફતારથી વેપારીઓ અને ખેડૂતોને સીધો ફાયદો
વડાપ્રધાને જણાવ્યું કે અગાઉ જે પટરી પર મુસાફરોની ટ્રેન દોડતી હતી તેના પર જ માલગાડીઓ ચાલતી હોવાથી મુસાફરી અને માલ-સામાનની હેરફેર બંને અત્યંત ધીમી પડી જતી હતી. નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર હવે દરરોજ 430થી વધુ માલગાડીઓ ઝડપથી દોડી રહી છે. અગાઉ જે 100 કિલોમીટર અંતર કાપવામાં સાડા છ કલાક લાગતા હતા, તે અંતર હવે અડધા કરતાં પણ ઓછા સમયમાં પૂરું થઈ રહ્યું છે. આ ઝડપી કનેક્ટિવિટીના કારણે શાકભાજી, ફળ અને ફૂલ જેવી જલદી બગડી જતી ખેતપેદાશો સમયસર મોટા બજારો સુધી પહોંચી રહી છે, જેથી ખેડૂતોનું નુકસાન અટક્યું છે અને સમય, બળતણ તથા પરિવહન ખર્ચમાં મોટો બચાવ થયો છે.
વડોદરા વાસીઓની સ્વચ્છતા ઝુંબેશને બિરદાવી
સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને વડોદરાના નાગરિકો દ્વારા વિકાસ પર્વ નિમિત્તે ચલાવવામાં આવેલી સ્વચ્છતા ઝુંબેશ અને જનભાગીદારીના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશને એવી કનેક્ટિવિટી જોઈએ છે જે માત્ર સરળ જ નહીં પરંતુ અતિ ઝડપી પણ હોય.




