નવી દિલ્હી: બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં તેમને પ્રાચીન તમિલ મહાગ્રંથ ‘તિરુક્કુરલ’ (Thirukkural)નો રશિયન ભાષાંતરિત ગ્રંથ ભેટમાં આપ્યો હતો.
Presented President Putin with a Russian translation of the Thirukkural, which carries the eternal wisdom of the great Thiruvalluvar across languages and borders. pic.twitter.com/rvk3rRDnvg
— Narendra Modi (@narendramodi) September 11, 2026
આ ભેટ માત્ર એક પુસ્તક નહીં પરંતુ ભારત અને રશિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને સાહિત્યિક સંબંધોનું પ્રતીક છે. વર્ષ ૨૦૨૬માં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ દ્વારા પ્રકાશિત આ વિશેષ આવૃત્તિમાં મૂળ તમિલ શ્લોકો, તેનું લિપ્યાંતરણ (Transliteration) અને નાઇરા મક્રતચ્યાન (Naira Mkrtchyan) દ્વારા કરવામાં આવેલું રશિયન ભાષાંતર શામેલ છે.
પુસ્તક અર્પણ કરતા સમયે વડાપ્રધાન મોદીએ તેના કાળજયી જ્ઞાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મને આશા છે કે આ ગ્રંથ આપણા બંને દેશોના લોકો વચ્ચેના પરસ્પર સંબંધો (People-to-people connections)ને વધુ મજબૂત બનાવશે.”
તિરુક્કુરલનો રશિયા અને લિયો ટોલસ્ટોય સાથેનો રસપ્રદ સંબંધ
ભારતીય દર્શન અને સાહિત્ય પ્રત્યે રશિયન વિદ્વાનોનો રસ ૧૭મી સદીથી રહ્યો છે. પરંતુ ૧૯મી સદીમાં યુરોપિયન ભાષાઓમાં થયેલા ભાષાંતરો દ્વારા ‘તિરુક્કુરલ’ રશિયાના મહાન સાહિત્યકારો સુધી પહોંચ્યું હતું.
-
લિયો ટોલસ્ટોય પર પ્રભાવ: રશિયાના દિગ્ગજ લેખક લિયો ટોલસ્ટોય (Leo Tolstoy) ૧૯મી સદીમાં જ તિરુક્કુરલના વિચારોથી પ્રભાવિત થયા હતા. આ ગ્રંથમાં દર્શાવેલા અહિંસા, સદ્ગુણ અને દયાના મૂલ્યોએ ટોલસ્ટોયના દાર્શનિક લેખન પર ઊંડી છાપ છોડી હતી.
-
મહાત્મા ગાંધી સાથેનો પત્રવ્યવહાર: ૨૦મી સદીની શરૂઆતમાં લિયો ટોલસ્ટોય અને મહાત્મા ગાંધી વચ્ચે થયેલા પત્રવ્યવહારમાં પણ આ ગ્રંથનો ઉલ્લેખ મળે છે. એવું માનવામાં આવે છે કે ટોલસ્ટોયે ગાંધીજીને તિરુક્કુરલ વાંચવાની ભલામણ કરી હતી, જેણે ગાંધીજીના અહિંસાના વિચારોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તિરુક્કુરલના ત્રણ મુખ્ય સ્તંભો
તમિલ કવિ-સંત તિરુવલ્લુવર (Thiruvalluvar) દ્વારા રચિત આ ગ્રંથમાં કુલ ૧૩૩ પ્રકરણોમાં ૧,૩૩૦ કુરલ (બે પંક્તિના દુહા) આપેલા છે. આ ગ્રંથ ૩૦૦ ઈ.સ.પૂર્વથી ૫૦૦ ઈ.સ. વચ્ચે રચાયો હોવાનું મનાય છે. આ ગ્રંથ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે:
૧. અરમ (Aram / ધર્મ): પ્રથમ ૩૮ પ્રકરણમાં નૈતિકતા, ફરજ, ગૃહસ્થ જીવન અને સદાચારની વાત છે.
૨. પોરુલ (Porul / અર્થ): પ્રકરણ ૩૯ થી ૧૦૮માં સમાજ, અર્થશાસ્ત્ર, રાજનીતિ અને સુશાસન પર ભાર મૂકાયો છે.
૩. ઇનબમ (Inbam / કામ): અંતિમ ૨૫ પ્રકરણ પ્રેમ, સ્નેહ અને માનવ સંબંધોને સમર્પિત છે.
આ ત્રણેય સ્તંભો ભારતીય સનાતન પરંપરાના ધર્મ, અર્થ અને કામ સાથે સામ્યતા ધરાવે છે, પરંતુ તેમાં મોક્ષનો ઉલ્લેખ નથી.
વડાપ્રધાન મોદીની ‘સાંસ્કૃતિક કૂટનીતિ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક મંચ પર તમિલ ભાષા અને તિરુક્કુરલને અવારનવાર સાંસ્કૃતિક રાજદ્વારી શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે:
-
ઓગસ્ટ ૨૦૨૬ (તાશકંદ): ઉઝબેકિસ્તાનની મુલાકાત વખતે તેમણે મધ્ય એશિયામાં આ ગ્રંથનો પ્રચાર કરવા તેનો ઉઝબેક ભાષામાં અનુવાદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
-
મે ૨૦૨૩ (પાપુઆ ન્યુ ગિની): FIPIC સમિટ દરમિયાન પીએમ મોદી અને વડાપ્રધાન જેમ્સ મરાપેએ ‘ટોક પિસિન’ ભાષામાં અનુવાદ લોન્ચ કર્યો હતો.
-
અન્ય દેશો: થાઇલેન્ડમાં થાઇ ભાષા, જાપાનના તત્કાલીન પીએમ શિંઝો આબેને જાપાનીઝ આવૃત્તિ ભેટ આપી હતી.
-
દેશમાં ઉપયોગ: ૨૦૨૦માં લદ્દાખના લેહ ખાતે સૈનિકોને સંબોધતી વખતે તેમણે સેનાના ચાર મુખ્ય આધાર સ્તંભો (વીરતા, સન્માન, સદાચાર અને વિશ્વસનીયતા) માટે તિરુક્કુરલનો શ્લોક ટાંક્યો હતો. આ ઉપરાંત ૨૦૧૯ના સ્વતંત્રતા દિને ‘જલ જીવન મિશન’ની જાહેરાત વખતે તિરુવલ્લુવરની પંક્તિ “નીર ઇન્દ્રી અમાયધુ ઉલગુ” (પાણી વિના વિશ્વ શક્ય નથી)નો ઉલ્લેખ કર્યો હતો.




