નવસારીમાં દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’નું લોકાર્પણ

નવસારી: દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને કાર્યાલયના મુખ્ય વિભાગો, મીડિયા સેન્ટર, ડિજિટલ કોલ સેન્ટર, ઈ-લાઈબ્રેરી તથા સાંસદ-ધારાસભ્યોની કેબિનની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી.વિશાળ જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે, ‘નમો કમલમ’ માત્ર એક ઇમારત નથી, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના ઉકેલ અને જનસેવાનું જીવંત તીર્થસ્થાન બનવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન જ સ્થાયી હોય છે. આ ઉપરાંત, તેમણે નવસારીમાં જનભાગીદારીથી હાથ ધરાયેલા ‘સ્વચ્છતાથી સ્વાગત’ અભિયાન, કુપોષણ મુક્તિ અને ટીબી મુક્તિ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમજ આવનારા ગણેશોત્સવ અને દિવાળીના તહેવારોમાં પણ સ્વચ્છતા જાળવવા આહ્વાન કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીમાં ચાલી રહેલા સામાજિક કલ્યાણના કામો, જેમ કે ૩૬૦૦માંથી ૪૬૦ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા, ટીબી દર્દીઓને પોષણ કિટ, સુકન્યા સમૃદ્ધિ ખાતાં અને પીએમ સ્વનિધિ યોજના હેઠળ ફેરિયાઓને સ્ટેનલેસ સ્ટીલની લારીઓ આપવાની કામગીરીની વિગતો આપી હતી.

પ્રસંગને યાદગાર બનાવવા હેલિપેડ ખાતે ૧૧૦૦ બહેનોએ પરંપરાગત વેશભૂષામાં કળશ યાત્રા સાથે અને ૫૦૦ યુવકોએ ડમરુ વાદન કરીને વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમનું નવસારી જિલ્લાના ૩૮૯થી વધુ ગામોમાં સીધું પ્રસારણ કરાયું હતું.

અત્યાધુનિક ‘નમો કમલમ’ની વિશેષતાઓ:

આશરે રૂ. ૧૦ કરોડના ખર્ચે ૪૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં પોણા બે વર્ષના વિક્રમી સમયમાં નિર્માણ પામેલા આ કાર્યાલયમાં:

  • AI આધારિત ડિજિટલ સિસ્ટમ અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી.

  • વિશાળ ઓડિટોરિયમ, આધુનિક કોન્ફરન્સ રૂમ અને પદાધિકારીઓ માટેની કેબિનો.

  • સોલર પેનલ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ૧,૦૦૦ પુસ્તકો ધરાવતી ફિઝિકલ લાઈબ્રેરી સાથે ૧૪ લાખ ઈ-બુક્સની સુવિધા.

    (અરવિંદ ગોંડલિયા – સુરત)