PM મોદીના હસ્તે, કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આધ્યાત્મિકતા અને આધુનિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળ્યો. આજે મહાવીર જયંતિના પાવન અવસરે ખાસ ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું PMના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું. જે જૈન ધર્મના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સમર્પિત છે. મહાવીર જયંતિના પવિત્ર અવસરે શરૂ થયેલું આ મ્યુઝિયમ અહિંસા, આધ્યાત્મિકતા અને ભારતીય પરંપરાઓને ઉજાગર કરે છે. આ મ્યુઝિયમ 23 એપ્રિલથી સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકાશે અને માત્ર પ્રદર્શન સ્થળ નહીં પરંતુ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે.

આ મ્યુઝિયમ પાછળ રાષ્ટ્રસંત આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીનું વર્ષોનું તપ અને સ્વપ્ન જોડાયેલું છે. તેમણે છેલ્લા 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે આશરે 2,00,000 કિલોમીટરની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાંથી દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું છે. આ અમૂલ્ય ખજાનાને અત્યંત શ્રદ્ધાપૂર્વક આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત, આ મ્યુઝિયમમાં સાત અલગ-અલગ વિભાગ છે. તે મુલાકાતીઓને સદીઓ જૂના જ્ઞાન અને વારસા સાથે જોડે છે. આ મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસા સંગ્રહને સાચવવામાં આવ્યો છે. જેમાં જટિલ રીતે બનાવેલા પથ્થર અને ધાતુના શિલ્પો, વિશાળ મંદિર પ્લેટો અને યંત્ર પ્લેટો, લઘુચિત્ર, ચાંદીના રથ, સિક્કા અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. આ બધા સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે. વિશાળ રૂમમાં રાખવામાં આવેલા અને બે હજારથી વધુ દુર્લભ વસ્તુઓનો ખજાનો ધરાવતું, મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેના ઊંડા સાંસ્કૃતિક પ્રભાવની સમજ મેળવવા માટે સક્ષમ બનાવે છે.