વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે અડધી રાત્રે PM મોદીનો વિડીયો સંદેશ

વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે અડધી રાત્રે એક વિડિયો સંદેશ જારી કરીને દેશના યુવાનો અને તેમના વાલીઓને આશ્વાસન આપ્યું છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે પેપર લીક સામે આગામી કેબિનેટ બેઠકમાં અત્યંત કડક પગલાં લેવામાં આવશે. PM મોદીએ કહ્યું કે પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી, પરંતુ આ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે અત્યંત પીડાસ્પદ બાબત છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે સંસદમાંથી વહેલી તકે પેપર લીક વિરોધી બિલ પસાર કરાવવાનો મજબૂત પ્રયાસ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા આ વિડિયો સંદેશમાં PM મોદીએ કહ્યું, “મિત્રો, હું જાણું છું કે પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ દુઃખદાયક છે. તેથી જ છેલ્લા અઢી મહિનામાં પેપર લીકની ઘટનાઓ સામે આવ્યા બાદ અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે. ગુનેગારોને પકડી લેવામાં આવ્યા છે અને તેઓ જેલના સળિયા પાછળ છે. આપણી સૌથી મોટી જવાબદારી એ હતી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડવું ન જોઈએ. તાત્કાલિક પરીક્ષા યોજવી ખૂબ જરૂરી હતી. સરકારે પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સમયમાં તેનું આયોજન કર્યું. હમણાં પાંચ-છ દિવસ પહેલા 19મી તારીખે પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.”

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો મુસદ્દો તૈયાર

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું, “દેશભરમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની ખુશીના સમાચાર આવી રહ્યા છે, પરંતુ આપણે ત્યાં જ સંતોષ માનીને બેસી રહેનારા લોકો નથી. તેથી જ મેં આજે સંબંધિત વિભાગોને ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આજે વિભાગોએ સતત મહેનત કરીને મોડી રાત્રે મને મુસદ્દો (ડ્રાફ્ટ) પણ સોંપી દીધો છે.”

તેમણે માહિતી આપી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને અત્યંત કડક સજાની જોગવાઈ ધરાવતા આ મુસદ્દા પર કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કેબિનેટના સાથી મંત્રીઓના સૂચનો બાદ તેને આખરી ઓપ આપવામાં આવશે. સોમવારથી સંસદનું બીજું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે, ત્યારે સરકારની પ્રાથમિકતા રહેશે કે આ બિલને સંસદમાંથી વહેલામાં વહેલી તકે પસાર કરાવવામાં આવે.