પટના/વૈશાલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદી પર બનેલા 19.7 કિલોમીટર લાંબા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેડ ‘નીતિશ સેતુ’નું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ અગાઉ વડાપ્રધાન મોદીએ પટના એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ઉષ્માભરી મુલાકાત કરી હતી. મુલાકાતનો ફોટો શેર કરતા વડાપ્રધાન મોદીએ ‘એક્સ’ પર લખ્યું હતું કે, “પટના એરપોર્ટ પર નીતિશ કુમારજીને મળીને અત્યંત આનંદ થયો.”
આશરે ₹4,280 કરોડના અંદાજિત ખર્ચે નિર્મિત ‘નીતિશ સેતુ’ પ્રોજેક્ટમાં ગંગા પર 9.7 કિલોમીટરનો મુખ્ય પુલ અને 10 કિલોમીટરના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ પુલ પટના જિલ્લાના NH-22 પરના કાચ્છી દરગાહને વૈશાલી જિલ્લાના NH-322 પરના બિદુપુર સાથે જોડે છે.
આ પુલ શરૂ થવાથી ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે, મહાત્મા ગાંધી સેતુ અને જેપી સેતુ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને રાઘોપુર દિયારાના રહેવાસીઓને પટના સુધી પહોંચવા માટે વધુ સારો માર્ગ મળશે. લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ બિહારના 20 વર્ષના વિકાસ અને કનેક્ટિવિટીમાં નીતિશ કુમારના યોગદાનના સન્માનરૂપે પુલનું નામ ‘નીતિશ સેતુ’ રાખવાના નિર્ણયને બિરદાવ્યો હતો.






