ગાંધી જયંતી પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને કોટિ-કોટિ પ્રણામ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાપુનો શાશ્વત સંદેશ અને તેમનો જીવનસંદેશ એક બહેતર સમાજ તથા ‘વિકસિત ભારત’ના નિર્માણમાં દેશને સતત માર્ગદર્શન પૂરું પાડતો રહેશે. PM મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સમર્પિત સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું, જે દરેક યુગમાં માનવતા માટે પ્રેરણાસ્રોત બની રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી એક પોસ્ટમાં તેમજ પોતાના વિશેષ વિડીયો સંદેશમાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, બાપુની વિચારધારાએ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે. મહાત્મા ગાંધી એક એવી વિરલ શખ્સિયત હતા જેઓ સત્તાથી દૂર રહ્યા છતાં કરોડો લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં પણ બાપુના આદર્શો સમગ્ર માનવજાતને નવી દિશા આપતા રહેશે.

ખાદી ખરીદો અને ગર્વથી કહો ‘આ સ્વદેશી છે’

પોતાના સંદેશમાં વડાપ્રધાને સ્વદેશી આંદોલનના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, “મહાત્મા ગાંધીએ હંમેશાં દરેક નાગરિકને ‘સ્વદેશી’ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને આ પ્રક્રિયામાં ખાદી હંમેશાં પ્રાથમિકતા સ્થાને રહી છે. હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે 2 October ના દિવસે ઓછામાં ઓછી એક ખાદીની પ્રોડક્ટ જરૂરથી ખરીદે અને ગર્વથી કહે કે આ ‘સ્વદેશી’ છે.”

2 October નું ભારતીય ઇતિહાસમાં વિશેષ સ્થાન

ભારતના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પર 2 October ની તારીખનું અત્યંત વિશેષ મહત્વ રહેલું છે. આ પાવન દિવસ દેશની બે મહાન વિભૂતિઓના જન્મદિન તરીકે નોંધાયેલો છે:

મહાત્મા ગાંધી: અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો જન્મ 2 October 1869 ના રોજ થયો હતો. તેમના કાર્યો અને વિચારોએ દેશના સ્વતંત્રતા સંગ્રામ અને ત્યારબાદ સ્વતંત્ર ભારતને ઘડવામાં સિંહફાળો આપ્યો હતો. તેમના સન્માનમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આ દિવસને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

લાલ બહાદુર શાસ્ત્રી: દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 October 1904 ના રોજ થયો હતો. તેમની અદભુત સાદગી, નિષ્ઠા અને વિનમ્રતાના સમગ્ર દેશવાસીઓ કાયલ હતા. તેમણે 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દેશને એકજૂથ કરવા ‘જય જવાન, જય કિસાન’ નો અમર નારો આપ્યો હતો.

ચલણી નોટો અને મહાત્મા ગાંધીનો ઐતિહાસિક સંબંધ

2 October નો દિવસ ભારતીય ચલણના ઇતિહાસ સાથે પણ એક મહત્વપૂર્ણ કડી ધરાવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 2 October 1987 ના રોજ પ્રથમ વખત મહાત્મા ગાંધીની તસવીર વાળી ₹500 ની નવી કરન્સી નોટ જારી કરી હતી. આ અગાઉ 1969 માં બાપુની 100 મી જન્મજયંતી પર એક સ્મારક નોટ બહાર પાડવામાં આવી હતી, પરંતુ ભારતીય બેંક નોટો પર નિયમિત અને કાયમી ધોરણે બાપુની તસવીર છાપવાની શરૂઆત 1987 માં ₹500 ની નોટથી થઈ હતી. ત્યારબાદ 1996 માં RBI દ્વારા અધિકૃત રીતે ‘મહાત્મા ગાંધી સિરીઝ’ ની શરૂઆત કરવામાં આવી, જેના પછી તમામ મુલ્યની ચલણી નોટો પર બાપુની તસવીર કાયમી ધોરણે સ્થાન પામી.