તિચાનચિનઃ ચીનના તિયાનજિનમાં યોજાયેલા શાંઘાઈ શિખર સંમેલનનો આજ (1 સપ્ટેમ્બર, 2025) બીજો દિવસ છે. ભારતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દ્વિપક્ષી વાર્તાલાપ દરમ્યાન વડા પ્રધાન મોદીને પોતાનો મિત્ર ગણાવ્યો હતો. પુતિને જણાવ્યું હતું કે ભારત રશિયાનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે કહ્યું હતું કે અમારા સંબંધો સતત મજબૂત થયા છે અને આજની મુલાકાતથી આ સંબંધો વધુ ગાઢ બનશે.
પુતિને PM મોદીને ગણાવ્યો મિત્ર
PM મોદીએ કહ્યું હતું કે આપણા સંબંધો વૈશ્વિક શાંતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. SCO સંમેલનથી અલગ થયેલી આ દ્વિપક્ષી બેઠકમાં પુતિને ભારત-રશિયા સંબંધોને સિદ્ધાંત આધારિત અને મજબૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત-રશિયાની ભાગીદારી સિદ્ધાંતો પર આધારિત છે અને અનેક ક્ષેત્રોમાં વિકસેલી છે. પુતિનના કહેવા મુજબ આજની ચર્ચા સંબંધોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની એક સારી તક છે.
PM મોદીનું નિવેદન
ભારત અને રશિયા હંમેશાં એકબીજાની સાથે ઊભા રહ્યા છે, સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ. અમારા નજીકના સહકારનો લાભ માત્ર બંને દેશોના લોકોને જ નથી, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ છે.
Sharing my remarks during meeting with President Putin. https://t.co/PADOdRjsBs
— Narendra Modi (@narendramodi) September 1, 2025
યુક્રેન સંઘર્ષ અંગે શાંતિ પ્રયાસોનું સ્વાગત
અમે યુક્રેનમાં ચાલતા સંઘર્ષ અંગે સતત ચર્ચા કરતા આવ્યા છીએ. શાંતિ માટે તાજેતરના બધા પ્રયત્નોનું અમે સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. આ સંઘર્ષને ઝડપથી અંતે લાવવાનો અને સ્થાયી શાંતિ સ્થાપવાની દિશામાં રસ્તો શોધવો જ પડશે. આ સમગ્ર માનવજાતની માગ છે, એમ મોદીએ કહ્યું હતું. આ સંમેલનમાં PM મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં સરહદ પર શાંતિ, વેપાર, કૈલાસ માનસરોવર યાત્રા, બે દેશો વચ્ચે સીધી ફ્લાઈટ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
SCOની બેઠકને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદ શાંતિના માર્ગમાં સૌથી મોટું જોખમ છે. સાયબર આતંકવાદ સામે પણ કડકાઈથી નિપટવું પડશે. પીએમ મોદીએ SCOને S–સિક્યોરિટી, C–કનેક્ટિવિટી અને O–ઓપોર્ચ્યુનિટીનો મંચ ગણાવ્યો હતો. મોદીએ પાકિસ્તાનના PM શહબાઝ શરીફનું નામ લીધા વગર આતંકવાદને મુદ્દે તેમને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો દંશ ભોગવી રહ્યું છે. તાજેતરમાં જ અમે પહેલગામમાં આતંકવાદનો સૌથી ભયાનક રૂપ જોયું છે.
