PM મોદી-સુખબીર બાદલની મુલાકાતથી ગઠબંધનની શક્યતા

નવી દિલ્હીઃ શિરોમણિ અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પંજાબના સ્થાનિક મિડિયા અને રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની અટકળો તેજ બની છે.

પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દે સોશિયલ મિડિયા પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું હતું કે ના-ના કરતાં કરતાં પ્રેમ તમારાથી જ થઈ ગયો. તેમણે આરોપ લગાવ્યો કે શું હવે “ચંદા ચોર પાર્ટી” અને “બેઅદબી પાર્ટી”નું ગઠબંધન થઈ રહ્યું છે? વિપક્ષનો આરોપ છે કે અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત ગેરરીતિમાં ભાજપના લોકો સામેલ હતા અને અકાલી-ભાજપ સરકાર દરમિયાન પંજાબમાં બેઅદબીની અનેક ઘટનાઓ બની હતી.

કૃષિ કાયદાના વિરોધમાં તૂટ્યું હતું ગઠબંધન

વર્ષ 2020માં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓના વિરોધમાં અકાલી દળે ભાજપ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ ભારે વિરોધને પગલે કેન્દ્ર સરકારે આ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળે અલગ-અલગ ચૂંટણી લડી હતી અને બંનેને નિરાશાજનક પરિણામ મળ્યાં હતાં. અકાલી દળને માત્ર ત્રણ બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર બે બેઠકો પર જીત મળી હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પણ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની ચર્ચા થઈ હતી, પરંતુ અંતે બંનેએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. તેમાં અકાલી દળને એક બેઠક મળી હતી, જ્યારે ભાજપનું ખાતું પણ ખૂલ્યું નહોતું.

પીએમ મોદી જલંધરની મુલાકાતે આવ્યા હતા

પંજાબ વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા સમયમાં બે વખત પંજાબની મુલાકાત લઈ ચૂક્યા છે. ભાજપ રાજ્યમાં મોટા પાયે ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જલંધરની તાજેતરની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ એક જાહેર સભાને પણ સંબોધી હતી.

રાજકીય વિશ્લેષકોને મતે લાંબા સમય સુધી એકબીજાના સહયોગી રહેલા ભાજપ અને શિરોમણિ અકાલી દળને હાલની પરિસ્થિતિમાં ફરી એકબીજાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. જો ભાજપ અને શિરોમણિ અકાલી દળ ફરી ગઠબંધન કરે છે, તો આવનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યનું રાજકીય સમીકરણ વધુ રસપ્રદ બની શકે છે.