ભીલડીમાં PM ખેડૂતો સાથે કરશે ‘ખાટલા સભા’: ગ્રામીણ-કૃષિ વિકાસ પર થશે સંવાદ

બનાસકાંઠા: ભીલડી મુકામે એક વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડી ખાતે સ્થાનિક ખેડૂતો સાથે સીધો સંવાદ સાધવા માટે ‘ખાટલા સભા’ યોજશે. દેશના પ્રધાનસેવક અને ખેડૂતો વચ્ચેનો આ એકદમ દેશી અને પરંપરાગત અંદાજ નોખો અને આકર્ષક બની રહેશે.

વડાપ્રધાન મોદી ગામડાના દેશી ખાટલા પર બેસીને ખેડૂતો સાથે ગ્રામીણજીવન, કૃષિ ક્ષેત્રે આવતા પડકારો, પશુપાલન, જળ સંચય અને ખેતી ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગ અંગે સીધી અને ખુલ્લા મનથી ચર્ચા કરશે. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી અને જગતના તાતની સમસ્યાઓને નજીકથી સમજવાનો અને સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી કેટલો પહોંચી રહ્યો છે તેની પ્રત્યક્ષ માહિતી મેળવવાનો છે.

બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને કૃષિ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. આ વિસ્તારના ખેડૂતોએ ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખેતીમાં પણ ઘણું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે, ત્યારે વડાપ્રધાનની આ મુલાકાતથી ભીલડી અને આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમને પગલે ભીલડી ખાતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને સભા સ્થળે ગ્રામીણ વાતાવરણને અનુરૂપ ખાસ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રીની આ ‘ખાટલા સભા’ ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ વિકાસની દિશામાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.